JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

પિતાએ નોકરી છોડીને બનાવ્યો ક્રિકેટર, દીકરાએ રણજી ટ્રોફીમાં ત્રેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ

Oct 27, 2026 | 21:37 | By JAMNAGAR MIRROR
પિતાએ નોકરી છોડીને બનાવ્યો ક્રિકેટર, દીકરાએ રણજી ટ્રોફીમાં ત્રેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ
બરોડાના 21 વર્ષીય પ્રિયાંશુ મોલિયાએ જમ્મુ-કાશ્મીર સામે અણનમ 321 રન ફટકારીને 79 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. પિતા સુરેશ મોલિયાએ દીકરાના સપના માટે નોકરી છોડીને રાજકોટથી વડોદરા સ્થળાંતર કર્યું હતું, જેનું પરિણામ આજે મેદાન પર જોવા મળ્યું છે.

ક્રિકેટના મેદાન પરથી એક અદ્ભુત અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જ્યાં બરોડાના યુવા બેટ્સમેન પ્રિયાંશુ મોલિયાએ પોતાની બેટિંગથી ધમાકો મચાવ્યો છે. માત્ર 21 વર્ષની ઉંમરે પ્રિયાંશુએ જમ્મુ-કાશ્મીર સામેની રણજી ટ્રોફી મેચમાં એવી વિસ્ફોટક બેટિંગ કરી કે આખો દેશ તેના વખાણ કરી રહ્યો છે. તેણે મેદાન પર કમાલ કરતા બેવડી નહીં પરંતુ સીધી ત્રેવડી સદી ફટકારી હતી અને છેલ્લે સુધી અણનમ રહ્યો હતો. વડોદરામાં રમાયેલી આ મેચમાં બરોડાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 616 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં પ્રિયાંશુના 321 અને મહેશ પિઠિયાની શાનદાર સદીનું મોટું યોગદાન રહ્યું હતું.

આ શાનદાર ઈનિંગ સાથે પ્રિયાંશુએ રણજી ટ્રોફીના ઈતિહાસમાં 79 વર્ષ જૂનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા વડોદરા તરફથી છેલ્લે ગુલ મોહમ્મદે 1947માં હોલકર સામે 319 રન બનાવીને ત્રેવડી સદી ફટકારી હતી, અને હવે આટલા લાંબા અંતરાલ બાદ પ્રિયાંશુ આ સિદ્ધિ મેળવનાર વડોદરાનો પહેલો બેટ્સમેન બન્યો છે. વર્ષ 2005ની 17 જૂને રાજકોટમાંન્જન્મેલા પ્રિયાંશુએ નાની ઉંમરે જ ભારતીય અંડર-19 ટીમમાં જગ્યા બનાવી હતી અને 2024ના અંડર-19 વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે રણજી ડેબ્યૂ કરીને સતત બે સદી ફટકારનાર તે નારી કોન્ટ્રાક્ટર પછીનો પહેલો ખેલાડી છે. આ ઉપરાંત તાજેતરમાં તેણે વિજય હજારે ટ્રોફીમાં પણ બે સદીની મદદથી કુલ 379 રન ફટકાર્યા હતા.

આ ઐતિહાસિક સફળતા પાછળ પ્રિયાંશુની મહેનતની સાથે તેના પિતા સુરેશ મોલિયાનો બહુ મોટો ત્યાગ રહેલો છે. પિતાએ હીરાના વ્યવસાયની નોકરી માત્ર એટલા માટે છોડી દીધી હતી જેથી તેઓ પોતાના દીકરાને એક મોટો ક્રિકેટર બનાવી શકે. દીકરાની પ્રેક્ટિસ અને મેચ ટ્રાવેલમાં કોઈ અડચણ ન આવે તે માટે તેમણે રાજકોટ છોડીને વડોદરામાં કાયમી વસવાટ કર્યો હતો. અહીં મોહિન્દર લાલા અમરનાથ ક્રિકેટ એકેડેમીમાં પ્રિયાંશુએ પહેલા વર્ષે 1100 અને બીજા વર્ષે 1500 રન બનાવીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી, જેમાં એક મેચમાં તેણે 556 રનની વિશાળ ઇનિંગ પણ રમી હતી. પિતાના આ સંઘર્ષ અને ભગીરથ પ્રયાસોનું જ પરિણામ છે કે આજે પ્રિયાંશુ રાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરી રહ્યો છે.

LATEST ARTICLES