JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

તિરૂપતિની મહિલાએ સંભાળી વુડકાર્વિંગ બિઝનેસની ધુરા, આજે વાર્ષિક ટર્નઓવર પહોંચ્યું 1 કરોડને પાર

Oct 27, 2026 | 21:26 | By JAMNAGAR MIRROR
તિરૂપતિની મહિલાએ સંભાળી વુડકાર્વિંગ બિઝનેસની ધુરા, આજે વાર્ષિક ટર્નઓવર પહોંચ્યું 1 કરોડને પાર
પતિના નિધન પછી જીવનના મુશ્કેલ સમયમાં હિંમત ન હારનાર આંધ્ર પ્રદેશના તિરૂપતિની ચંદ્રકલાએ પારંપરિક વુડકાર્વિંગના કામને સફળ બિઝનેસમાં ફેરવી દીધું છે. લોટસ સેલ્ફ-હેલ્પ ગ્રુપની મદદથી આજે તેમનો આ બિઝનેસ વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે અને 100થી વધુ કારીગરોને રોજગારી પૂરી પાડે છે.

ચંદ્રકલાની આ પ્રેરણાદાયી સફર વર્ષ 2007માં શરૂ થઈ હતી, જ્યારે તેમના પતિના અચાનક અવસાન બાદ પરિવારની જવાબદારી તેમના શિરે આવી ગઈ હતી. ખેતી સાથે જોડાયેલા પરિવારમાંથી આવતા ચંદ્રકલા માટે વુડકાર્વિંગનું આ કામ નવું હતું, પરંતુ તેમણે હિંમત ન હારી અને ઓર્ડર સમયસર પૂરા કરવાથી લઈને ગ્રાહકો સાથે ડીલ કરવાનું શીખી લીધું. શરૂઆતમાં મુશ્કેલીઓ ઘણી હતી કારણ કે, એકાઉન્ટ્સ સંભાળવા અને બિઝનેસના નિર્ણયો લેવા માટે તેમણે નવી સ્કિલ્સ શીખવી પડી હતી. આ પરંપરાગત કળાને જીવંત રાખવા માટે તેમણે કારીગરોનો વિશ્વાસ જીતીને કામ સતત ચાલુ રાખ્યું હતું.

સમયની સાથે લોટસ સેલ્ફ-હેલ્પ ગ્રુપ સાથે જોડાવાથી ચંદ્રકલાના બિઝનેસને એક નવો વળાંક મળ્યો અને તેમને મોટા માર્કેટ સુધી પહોંચવાની તક મળી. તેઓ ચેન્નાઈ, મુંબઈ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ અને દિલ્હી જેવા શહેરોમાં યોજાયેલા ટ્રેડ ફેરમાં ગયા, જ્યાં તેમની પ્રોડક્ટ્સનો સારો એવો પ્રતિસાદ મળ્યો અને એક સમયે તો એક જ દિવસમાં તમામ સ્ટોક વેચાઈ ગયો હતો. આજે આ વુડકાર્વિંગ પ્રોડક્ટ્સ લેપાક્ષી એમ્પોરિયમ દ્વારા વેચાય છે અને મંત્રીઓ તથા સેલિબ્રિટીઝને ભેટ આપવા માટે પણ ખાસ મંગાવવામાં આવે છે. નેશનલ સારાસ મેળા 2026માં પણ તેમની આ સફરની નોંધ લેવામાં આવી છે.

આજે આ બિઝનેસ વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે અને 100થી વધુ લોકોને રોજગારી આપી રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ અને સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સના સહકારથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે ત્યારે ચંદ્રકલાનું સપનું હવે અહીં જ અટકતું નથી. તેઓ આગામી સમયમાં 500 જેટલી ગ્રામીણ મહિલાઓને આ બિઝનેસ સાથે જોડીને તેમને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનું મોટું લક્ષ્ય ધરાવે છે.

LATEST ARTICLES