વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ધંધાકીય ભાગીદારીમાં ચાલતી અદાવતે એક યુવકનો ભોગ લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ‘ચાય કા અડ્ડા’ નામની દુકાન ચલાવતા બે ભાગીદારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. મૃતક 25 વર્ષીય મનમોહનસિંગ સંજયસિંગ દુકાને સમયસર ન આવતા હોવાને કારણે બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો અને આ સામાન્ય લાગતી બાબતે જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આખરે હત્યાનું મોટું કારણ સર્જ્યું હતું, જેને લઈને આખો વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે.
આ કેસની વધુ વિગતો આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીએ ગુનાને અંજામ આપવા માટે મનમોહનસિંગને ગોરવાના મધુનગર વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ધક્કો મારી દીધો હતો. આ ઘટના બાદ પોલીસ અને સ્થાનિક ટીમો દ્વારા યુવકના મૃતદેહની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પંચવટી કેનાલથી પાદરા તરફ આશરે 10 કિલોમીટર સુધી લાંબી તપાસ હાથ ધર્યા બાદ આખરે હિંગલોટ ગામ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો, જેને કબજે કરીને પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે ગોરવા પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસીને અને ચોક્કસ બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આ હત્યાકાળના આરોપી સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દીકી (ઉં.વ. 25)ને ઝડપી પાડ્યો છે, જે ગોરવાના મધુનગર વિસ્તારનો જ રહેવાસી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીને કોર્ટમાં રજૂ કરી કાયદેસરના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી હત્યા પાછળના અન્ય કોઈ છૂપા કારણો કે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે બહાર આવી શકે.
