JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સહકારી બેંકોના પાક ધિરાણ પર ખેડૂતોને મળશે રૂ.174.07 કરોડની વ્યાજ રાહત

Oct 27, 2026 | 18:36 | By JAMNAGAR MIRROR
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સહકારી બેંકોના પાક ધિરાણ પર ખેડૂતોને મળશે રૂ.174.07 કરોડની વ્યાજ રાહત
રાજ્યના ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે. કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે 1 એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન આપેલા પાક ધિરાણ પર 2 ટકા વ્યાજ રાહત પેટે રૂ.174.07 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે, જેનાથી 10 લાખથી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે.

ગુજરાતના ખેડૂતો પરથી આર્થિક બોજ ઘટાડવા અને તેમને સમયસર સસ્તા દરે કૃષિ ધિરાણ મળી રહે તે હેતુસર રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સહકારી બેંકો દ્વારા ખેડૂતોને પોતાના સ્વ-ભંડોળમાંથી આપવામાં આવેલા પાક ધિરાણ પર 2 ટકા વ્યાજ રાહત આપવા માટે સરકારે રૂ.174.07 કરોડની સહાય ફાળવવાની મંજૂરી આપી દીધી છે. કૃષિ પ્રધાન જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાના અને સીમાંત ખેડૂતોને મોટી રાહત મળશે અને તેઓ માત્ર 7 ટકાના રાહત દરે ટૂંકા ગાળાનું ધિરાણ મેળવી શકશે.

અગાઉ મોટાભાગની સહકારી બેંકો દ્વારા ખેડૂતોને 10થી 13 ટકા જેટલા ઊંચા વ્યાજદરે ધિરાણ આપવામાં આવતું હતું, પરંતુ ખેડૂતોની મુશ્કેલીઓ ધ્યાને લઈને સરકારે વર્ષ 2009-10થી આ 2 ટકા વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત સરકાર બેંકોના ધિરાણ ખર્ચ અને ખેડૂતોને અપાતા રાહત દર વચ્ચેનો તફાવત સરભર કરે છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું મજબૂત ત્રિ-સ્તરીય માળખું કાર્યરત છે, જેમાં 1 રાજ્ય સહકારી બેંક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10,900થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)નો સમાવેશ થાય છે, જેના માધ્યમથી આશરે 33 ટકા જેટલા નાના અને સીમાંત ખેડૂતો આ વ્યવસ્થા સાથે જોડાયેલા છે.

રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોની પહોંચ મર્યાદિત હોય છે ત્યારે આ સહકારી બેંકો ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થાય છે. સરકારના આ નવા સહાય પેકેજથી માત્ર ખેડૂતોના વ્યાજનો ભાર જ ઘટશે નહીં, પરંતુ સહકારી બેંકોની ધિરાણ ક્ષમતા અને આર્થિક સ્થિરતાને પણ મજબૂત ટેકો મળશે. આગામી સમયમાં પણ ખેડૂતલક્ષી અને સહકારલક્ષી અભિગમને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

LATEST ARTICLES