સવાર અને સાંજની ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ઘરોમાં AC બંધ કરીને ગીઝરનો ઉપયોગ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે ઘરોમાં 2,000 થી 3,000 વોટની ક્ષમતાવાળા ગીઝર વપરાતા હોય છે, જે અજાણતા જ વીજળીનું બિલ ખૂબ વધારી દે છે. જો સાવચેતી ન રાખવામાં આવે તો આ હેવી ઇલેક્ટ્રિક એપ્લાયન્સ સીધા તમારા ઘરના બજેટને અસર કરી શકે છે. જોકે કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પૂરતું ગરમ પાણી પણ મળતું રહેશે અને વીજળી બિલની કોઈ ચિંતા પણ નહીં રહે.
વીજળી બચાવવા માટે સૌથી પહેલા ગીઝરનું ડિફોલ્ટ તાપમાન બદલવું ખૂબ જરૂરી છે, કારણ કે મોટાભાગના ગીઝરમાં તાપમાન પહેલેથી જ 60 થી 75 ડિગ્રી પર સેટ હોય છે. થર્મોસ્ટેટને ઘટાડીને 45 થી 50 ડિગ્રી પર સેટ કરી દેવાથી પાણી જરૂરિયાત મુજબ ગરમ થઈને ઓટો-કટ થઈ જાય છે અને અલગથી ઠંડુ પાણી પણ ઉમેરવું પડતું નથી. આ ઉપરાંત, ગીઝરને આખો દિવસ ચાલુ રાખવાને બદલે 15 થી 20 મિનિટ જ ચાલુ રાખવું જોઈએ અથવા 16A ના સ્માર્ટ પ્લગનો ઉપયોગ કરીને ચોક્કસ સમય સેટ કરી શકાય છે જેથી તે જાતે જ બંધ થઈ જાય. નવું ગીઝર ખરીદતી વખતે હંમેશા 5-સ્ટાર રેટિંગવાળું મોડેલ જ પસંદ કરવું જોઈએ, જેમાં 1 કે 2 વ્યક્તિઓ માટે 15 લિટર અને 4 સભ્યોના પરિવાર માટે 25 લિટરની ક્ષમતા યોગ્ય રહે છે.
ઘણા વિસ્તારોમાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી ગીઝરની અંદર રહેલી હીટિંગ રોડ પર કચરો જામી જાય છે, જેનાથી પાણી ગરમ થવામાં વધુ સમય લે છે અને વીજળીનો વપરાશ વધે છે. આ સમસ્યાથી બચવા માટે વર્ષમાં એકવાર ગીઝરની અચૂક સર્વિસ કરાવી લેવી જોઈએ અને જરૂર જણાય તો એનોડ રોડ પણ બદલાવી લેવો જોઈએ. આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે આરામથી ગરમ પાણીનો આનંદ માણી શકશો અને વીજળીનું તોતિંગ બિલ આવવાથી પણ બચી શકશો.
