ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હજી દૂર છે, પણ અત્યારથી જ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં અચાનક મોટી હલચલ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના યુવા આગેવાન ઋત્વિક મકવાણાએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે, જેનાથી રાજ્યભરના રાજકારણમાં મોટો ભડાકો થયો છે. મકવાણાએ ખુલ્લેઆમ દાવો કર્યો છે કે સત્તાધારી પાર્ટી ભાજપના બે દિગ્ગજ નેતાઓ અને આમ આદમી પાર્ટીનો એક મહત્વપૂર્ણ ચહેરો અત્યારે સીધા કોંગ્રેસના સંપર્કમાં છે. આ ઘટસ્ફોટના કારણે સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણો આગામી સમયમાં બદલાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના બે કદાવર નેતાઓ કોંગ્રેસમાં ઘરવાપસી કરવા કે જોડાવા માટે ઉત્સુક છે અને આ બાબતે કોંગ્રેસના મોવડી મંડળ સાથે વાતચીત પણ ચાલી રહી છે. આટલું જ નહીં, ગત ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી કરનાર આપ પાર્ટીના પણ એક અગ્રણી નેતા કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત બહાર આવતા જ રાજકીય ગલીઓમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. જો કે, રાજકીય જાણકારોનું એવું પણ માનવું છે કે ચૂંટણી ટાણે પક્ષમાં પોતાની પકડ મજબૂત કરવા કે ટિકિટ મેળવવા માટે આ એક પ્રકારની પ્રેશર ટેક્ટિક્સ પણ હોઈ શકે છે. પોતાના પક્ષના મોવડીઓ પર દબાણ લાવવા માટે નેતાઓ અગાઉથી જ આવા ગોઠવણ કરતા હોય છે.
આ અચાનક થયેલા રાજકીય ધડાકાથી કોંગ્રેસ કેમ્પમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ભાજપ અને આપના સ્થાનિક નેતૃત્વમાં દોડધામ મચી ગઈ છે. જો આ દાવો સાચો સાબિત થાય અને ખરેખર આ દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરે, તો સુરેન્દ્રનગર સહિત આસપાસની બેઠકો પર ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ શકે છે. હાલ તો સોશિયલ મીડિયા પર ચર્ચાતી આ વાત સાચી છે કે માત્ર અટકળો છે અને આ રહસ્યમય બે નેતાઓ તથા એક આપ નેતા કોણ છે, તેની શોધખોળ બંને વિરોધી પાર્ટીઓના હાઈકમાન્ડ દ્વારા તેજ કરી દેવામાં આવી છે.
