JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકાના પોલિટિક્સમાં પિયા ડંડિયાની સંપત્તિ ચર્ચામાં, એપલ કંપનીમાં નોકરી અને કરોડોની નેટવર્થ પર સવાલો

Oct 27, 2026 | 17:50 | By JAMNAGAR MIRROR
અમેરિકાના પોલિટિક્સમાં પિયા ડંડિયાની સંપત્તિ ચર્ચામાં, એપલ કંપનીમાં નોકરી અને કરોડોની નેટવર્થ પર સવાલો
અમેરિકાના ફ્લોરિડામાં કોંગ્રેસની ચૂંટણી લડી રહેલી પિયા ડંડિયાની 12.7 મિલિયન ડૉલરની નેટવર્થ અને એપલ સાથેના જોડાણને લઈને રાજકારણ ગરમાયું છે. સામાન્ય પરિવારોની મોંઘવારી ઘટાડવાની વાતો કરતી આ કેન્ડિડેટની પર્સનલ સંપત્તિ પર વિરોધીઓ સવાલો ઉઠાવી રહ્યા છે.

અમેરિકામાં હાલ ફ્લોરિડાના 22મા ડિસ્ટ્રિક્ટમાંથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે ચૂંટણી લડી રહેલી ડેમોક્રેટિક પાર્ટીની કેન્ડિડેટ પિયા ડંડિયા ભારે ચર્ચામાં છે. મૂળ ભારતીય પરિવારમાંથી આવતી પિયા ડંડિયાનો અત્યાર સુધીનો પ્રવાસ ક્લાસરૂમથી લઈને વ્હાઇટ હાઉસ અને કોર્પોરેટ સેક્ટર સુધીનો રહ્યો છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગવર્મેન્ટમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ બોસ્ટન યુનિવર્સિટીમાંથી એજ્યુકેશનમાં માસ્ટર્સ કર્યું છે. માત્ર 28 વર્ષની ઉંમરે ન્યૂયોર્કના હાર્લેમમાં હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બનવા ઉપરાંત તેમણે 2020માં વ્હાઇટ હાઉસ ફેલો તરીકે ડોમેસ્ટિક પોલિસી કાઉન્સિલ અને ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં પણ સેવા આપી છે. શિક્ષણ અને પબ્લિક સર્વિસ બાદ તેમણે પ્રાઈવેટ સેક્ટરમાં એન્ટ્રી કરી હતી અને ટેક્નોલોજી દિગ્ગજ એપલ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું હતું, જ્યાં તેમણે શાળાઓ, હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં ટેક્નોલોજી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એપલ કંપનીમાં કામ કરવાના અનુભવ અને ફ્લોરિડા પૉલિટિક્સના રિપોર્ટ મુજબ પિયા ડંડિયાની કુલ નેટવર્થ 12.7 મિલિયન ડૉલર એટલે કે અંદાજે કરોડમાં છે, જ્યારે સાઉથ ફ્લોરિડામાં તેમનું 4.5 મિલિયન ડૉલરનું ઘર પણ છે. નાણાકીય ડિસ્ક્લોઝર મુજબ તેમણે 2024માં આશરે 236,000 ડૉલર અને 2025ના શરૂઆતના પાંચ મહિનામાં 121,000 ડૉલરથી વધુની કમાણી કરી હતી. ચૂંટણી પ્રચારમાં પિયા ડંડિયા મોંઘવારી ઘટાડવા, હેલ્થકેર, ચાઇલ્ડકેર, સસ્તાં મકાનો અને મોટી કૉર્પોરેશનોનો રાજકારણમાં પ્રભાવ ઘટાડવાની વાતો કરે છે. પરંતુ તેમની આ કરોડપતિ લાઇફસ્ટાઇલ અને પબ્લિક સ્ટેન્ડ વચ્ચેના વિરોધાભાસને કારણે વિપક્ષો અને મતદારો દ્વારા તેમની આર્થિક પૃષ્ઠભૂમિ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે જે નેતા ખુદ આટલી સંપત્તિ ધરાવે છે તે સામાન્ય અમેરિકન પરિવારોની આર્થિક મુશ્કેલીઓ કેવી રીતે સમજી શકે.

આગામી 3 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી મિટરમ ચૂંટણીમાં પિયા ડંડિયાનો મુકાબલો રિપબ્લિકન પાર્ટીના કેન્ડિડેટ કેસી અસ્કાર સામે છે. બંનેમાંથી કોઈ પાસે અગાઉ ચૂંટાયેલી ઓફિસનો અનુભવ ન હોવાથી આ મુકાબલો રોમાંચક બન્યો છે. પિયા ડંડિયાની ટીમ સ્પષ્ટતા કરી રહી છે કે કૉર્પોરેટ જગતમાં તેમનું કામ માત્ર પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સને ટેક્નોલોજીથી સશક્ત કરવાનું હતું અને તેમનો અનુભવ પૉલિસી બનાવવામાં ઉપયોગી સાબિત થશે. હવે જોવાનું એ રહે છે કે પિયા ડંડિયા પોતાની આર્થિક સંપત્તિના વિવાદ વચ્ચે મતદારોને પોતાના પક્ષમાં રીઝવવામાં કેટલી સફળ રહે છે અને તેમનો આ ભૂતકાળ ચૂંટણીમાં ફાયદો કરાવે છે કે નુકસાન.

LATEST ARTICLES