લોકોનું ભવિષ્ય ભાખવાનો દાવો કરનારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને જ્યોતિષી ઓમપ્રકાશ બિશ્નોઈએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમનું પોતાનું જ ભવિષ્ય અંધકારમય સાબિત થશે. રાજસ્થાનના જોધપુર જિલ્લાના ઓસિયાન તહસીલ અંતર્ગત આવતી ઇંડો કી ધાણી-II ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઓમપ્રકાશ બિશ્નોઈએ પણ ઝંપલાવ્યું હતું. સોશિયલ મીડિયા પર પોતાની જ્યોતિષીય ભવિષ્યવાણીઓને લઈને ભારે લોકપ્રિયતા ધરાવતા આ કન્ટેન્ટ ક્રિએટરને પોતાના જ ગામના મતદારોએ સદંતર નકારી કાઢ્યા છે અને ચૂંટણીમાં તેમની કારમી હાર થઈ છે.
ઓમપ્રકાશ બિશ્નોઈની સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતાની વાત કરીએ તો તેમના ઇન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન, ફેસબુક પર 232,000 અને યુટ્યુબ પર આશરે 550,000 સબ્સ્ક્રાઇબર્સ મળીને કુલ 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ ઉપરાંત તેઓ સ્થાનિક ગૌશાળાના પ્રમુખ પણ છે અને પોતાના જ વતનની ગ્રામ પંચાયતમાંથી ચૂંટણી લડી રહ્યા હોવાથી તેમને જીતનો પૂરો આત્મવિશ્વાસ હતો. જોકે, વાસ્તવિકતા તદ્દન વિપરીત રહી હતી કારણ કે આ પંચાયતમાં આશરે 1,600 પાત્ર મતદારો હોવા છતાં આ ઇન્ફ્લુઅન્સરને માંડ 33 વોટ જ પ્રાપ્ત થયા હતા.
ચૂંટણીના આ પરિણામો સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેની મજાક ઉડાવવા સાથે કટાક્ષ કર્યો હતો કે જે માણસ બીજાનું ભવિષ્ય ભાખવાનો દાવો કરે છે તે પોતાની ચૂંટણીનું પરિણામ કેમ ન પારખી શક્યો. આ શરમજનક હાર બાદ ઓમપ્રકાશ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર સત્તાવાર પોસ્ટ કરીને ગામના મતદારોનો આભાર માન્યો હતો અને જનતાના નિર્ણયને સ્વીકાર્યો હતો. તેમણે 'દિવા તળે અંધારું'વાળી કહેવત ટાંકીને સ્વીકાર્યું હતું કે સોશિયલ મીડિયાની ડિજિટલ દુનિયા અને જમીની રાજકીય હકીકતો વચ્ચે મોટો તફાવત હોય છે.
