રાજ્યના ખેડૂતોને ગ્રામીણ કક્ષાએથી જ સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત 1/04/2025 થી 30/09/2025 સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની સહકારી બેંકોએ પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપેલા ધિરાણ પર 2 ટકા વ્યાજ રાહત પેટે રૂ. 174.07 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને સહકાર-તરફી અભિગમ માટે પૂર્ણપણે કટિબદ્ધ છે.
અગાઉ મોટાભાગની સહકારી બેંકો ખેડૂતોને 10% થી 13% ના ઊંચા વ્યાજદરે ધિરાણ આપતી હતી, પરંતુ ખેડૂતો પર વ્યાજનો બોજો ન પડે તે માટે સરકારે વર્ષ 2009-10થી આ 2 ટકા વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી છે, જેના પરિણામે આજે ખેડૂતોને માત્ર 7% ના રાહત દરે પાક ધિરાણ મળી રહ્યું છે. રાજ્યમાં 1 રાજ્ય સહકારી બેંક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10,900થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું ત્રિ-સ્તરીય મજબૂત માળખું કાર્યરત છે. આ સહકારી માળખા દ્વારા રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતો ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે, જેમાં લગભગ 33% નાના અને સીમાંત ખેડૂતો સામેલ છે.
ગ્રામ્ય કક્ષાએ હજુ પણ ઘણી જગ્યાએ રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેંકો પહોંચી શકી નથી, ત્યારે ખેડૂતો માટે સહકારી માળખું જ ધિરાણ મેળવવાનો મુખ્ય સ્ત્રોત છે. બેંકોનું કોસ્ટ ઓફ ફંડ વધુ હોવા છતાં ખેડૂતોને રાહત આપવા માટે સરકાર આ તફાવતને વ્યાજ સહાય રૂપે સરભર કરે છે. સરકારના આ મહત્ત્વના નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોના લાખો ખેડૂતોને આર્થિક રાહત મળશે અને સાથે સાથે રાજ્યનું સહકારી ધિરાણ માળખું પણ વધુ મજબૂત અને ટકાઉ બનશે.
