રાજકોટ શહેરમાં ડ્રગ્સ અને નશાના સોદાગરો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા યોગીનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનો વેપાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને સ્થળ પરથી મોટા પ્રમાણમાં નશાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ કેસમાં સંડોવાયેલી એક મહિલાને પણ દબોચી લીધી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દરોડા દરમિયાન અંદાજિત રૂ. 23.80 લાખની કિંમતનો વિદેશી હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં પૂજા ભટ્ટ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જે બહારથી આ ગાંજો મંગાવતી હતી. પૂછપરછ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કમાં ગૌતમ દવે નામનો શખ્સ મુખ્ય સપ્લાયર તરીકે કામ કરતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે પકડાયેલી પૂજા ભટ્ટ અને મુખ્ય સપ્લાયર ગૌતમ દવે વચ્ચે માસી અને ભાણેજનો સંબંધ છે અને બંને મળીને આ ગેરકાયદે કારોબાર ચલાવતા હતા.
હાલ તો પોલીસે આખા મામલાને લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે અને ફરાર ચાલી રહેલા મુખ્ય સપ્લાયર ગૌતમ દવેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ નશાના નેટવર્કમાં બહારના રાજ્યમાંથી માલ કોણ લાવતું હતું અને તેમની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે તમામ બાબતો પરથી પડદો ઉઠાવવા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે. આ કાર્યવાહીથી રાજકોટના ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
