JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

એલન મસ્કે વેરિઝોન CEO ના દાવા પર કર્યો પલટવાર, કહ્યું કે માત્ર 2 કે 3 વર્ષમાં બનાવીશું નેટવર્ક

Oct 27, 2026 | 18:27 | By JAMNAGAR MIRROR
એલન મસ્કે વેરિઝોન CEO ના દાવા પર કર્યો પલટવાર, કહ્યું કે માત્ર 2 કે 3 વર્ષમાં બનાવીશું નેટવર્ક
અમેરિકામાં મોબાઈલ નેટવર્ક ઊભુ કરવા માટે સ્પેસએક્સને 8 વર્ષ અને અબજો ડોલરની જરૂર પડશે તેવા વેરિઝોન CEO ના દાવા સામે એલન મસ્કે માત્ર 6 શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. સ્પેસએક્સ દ્વારા વર્ષ 2028 ની શરૂઆતમાં સ્ટારલિંક મોબાઈલ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ટેક વર્લ્ડમાં અત્યારે એલન મસ્કની કંપની સ્પેસએક્સ અને અમેરિકાની દિગ્ગજ ટેલિકોમ કંપની વેરિઝોન વચ્ચે જોરદાર શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. વેરિઝોનના CEO ડાન શુલમેને તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે જો સ્પેસએક્સને વેરિઝોન જેવું શાનદાર મોબાઈલ નેટવર્ક બનાવવું હોય તો તેને આશરે 300 અબજથી 500 અબજ ડોલરનો ખર્ચ, 80000 જેટલા સેલ ટાવર્સ અને આશરે 8 વર્ષનો લાંબો સમય લાગી શકે છે. આ દાવા સામે એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તુરંત જ વળતો પ્રહાર કરતા લખ્યું હતું કે આ બધું કરવામાં માત્ર 2 કે 3 વર્ષ જ લાગશે.

અમેરિકન ટેલિકોમ સેક્ટરમાં આ ગરમાગરમી ત્યારે વધી ગઈ જ્યારે આ મહિનાની શરૂઆતમાં જ સ્પેસએક્સે અશરે 8 અબજ ડોલરના સોદામાં લો-બેન્ડ સ્પેક્ટ્રમ ખરીદી લીધા છે. આ મોટા સમાચાર બહાર આવતા જ વેરિઝોનના શેર લગભગ 9 ટકા ગગડી ગયા હતા, જે વર્ષ 2002 પછીનો સૌથી મોટો ઘટાડો હતો. વેરિઝોન CEO નું માનવું છે કે માત્ર સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા શહેરો અને ઉપનગરોમાં ગ્રાઉન્ડ નેટવર્કની સ્પર્ધા કરવી અત્યંત મુશ્કેલ છે કારણ કે ગ્રાઉન્ડ નેટવર્ક સિટી એરિયામાં અનેકગણું વધુ કાર્યક્ષમ સાબિત થાય છે અને સ્પેસએક્સને ટક્કર આપવા માટે મોટા પાયે ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જ પડશે.

આ તમામ વિવાદ વચ્ચે સ્પેસએક્સ આગામી જનરેશનના સેટેલાઇટ્સ અને ગ્રાઉન્ડ ટાવર્સની મદદથી વર્ષ 2028 ની શરૂઆતમાં જ સ્ટારલિંક મોબાઈલ સર્વિસ શરૂ કરવા માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. એલન મસ્કે તાજેતરમાં જ રોકાણકારોને જણાવ્યું છે કે ભવિષ્યમાં આ સેટેલાઇટ કનેક્ટિવિટી દ્વારા કંપની વાર્ષિક અબજો ડોલરની કમાણી કરી શકશે. ભલે વેરિઝોન અને અન્ય ટેલિકોમ જાયન્ટ્સ આ નવા હરીફને હજુ ગંભીરતાથી ન લેતા હોય, પરંતુ સ્પેસએક્સની એન્ટ્રીથી અમેરિકન ટેલિકોમ માર્કેટમાં આગામી દિવસોમાં જબરદસ્ત સ્પર્ધા જોવા મળશે તે નક્કી છે.

LATEST ARTICLES