દિલ્હી હાઈકોર્ટે મંગળવારે પૂર્વ ફાઈનાન્સ સેક્રેટરી સુભાષ ગર્ગને એક યુટ્યુબ પોડકાસ્ટમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે સામે કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણીઓને બ્લોક અથવા મ્યૂટ કરવા માટે આદેશ આપ્યો છે. જસ્ટિસ તુષાર રાવ ગેલાએ સુભાષ ગર્ગને આ પોડકાસ્ટમાંથી વાંધાજનક શબ્દો પર બીપ મારવા અથવા તેને હટાવવા માટે પગલાં લેવા જણાવ્યું હતું. આ સાથે જ ટીએમસી સાંસદ મહુઆ મોૈત્રાના વકીલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી આ મામલે અમુક કથિત માનહાનિભરી પોસ્ટ હટાવી લેવાની ખાતરી આપી છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે કોર્ટમાં માનહાનિનો મુકદ્દમો દાખલ કર્યો હતો, જેમાં કાયમી પ્રતિબંધની સાથે માફી અને 2 કરોડ રૂપિયાના ડેમેજની માંગણી કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે સુભાષ ગર્ગ અને મહુઆ મોૈત્રાને સમન્સ જારી કરીને તેમના જવાબ દાખલ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે બંને પક્ષો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે અને પૂર્વ ફાઈનાન્સ સેક્રેટરી દ્વારા આવા અસંયમિત શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈતો હતો. કોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું હતું કે આવા અપમાનજનક શબ્દો કોઈને પણ કહી શકાય નહીં.
કોર્ટના આદેશ બાદ સુભાષ ગર્ગના વકીલેinstructions લઈને ખાતરી આપી હતી કે તેઓ પોડકાસ્ટ હોસ્ટનો સંપર્ક કરીને વીડિયોમાંથી કથિત માનહાનિભરી વાતોને મ્યૂટ કરાવી દેશે. ભાજપ નેતા નિશિકાંત દુબેનો આરોપ છે કે સુભાષ ગર્ગે 17 સપ્ટેમ્બરના રોજ એક પોડકાસ્ટ અથવા ઇન્ટરવ્યુમાં તેમની વિરુદ્ધ ખોટા અને બદઈરાદાપૂર્વકના આક્ષેપો કર્યા હતા, જેને યુટ્યુબ, ફેસબુક અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટમાં જતા પહેલા દુબેએ 21 સપ્ટેમ્બરે કાનૂની નોટિસ મોકલીને આ ટિપ્પણીઓ તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી હતી.
