JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

કર્ણાટકમાં વોટર લિસ્ટમાંથી 1 કરોડ નામ ઓછા થયા, પુરુષો કરતાં મહિલા વોટર્સ વધ્યા

Oct 27, 2026 | 18:26 | By JAMNAGAR MIRROR
કર્ણાટકમાં વોટર લિસ્ટમાંથી 1 કરોડ નામ ઓછા થયા, પુરુષો કરતાં મહિલા વોટર્સ વધ્યા
કર્ણાટકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બાદ વોટર લિસ્ટમાંથી લગભગ 99.32 લાખ નામ કમી થયા છે, જ્યારે ખાસ વાત એ છે કે મહિલા વોટર્સની સંખ્યા પુરુષો કરતાં આગળ નીકળી ગઈ છે.

બેંગલુરુમાં ચૂંટણી પંચ દ્વારા 27 ઓક્ટોબરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની કામગીરી પૂરી થયા બાદ કર્ણાટકનું ફાઇનલ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ નવા લિસ્ટ મુજબ હવે રાજ્યમાં કુલ વોટર્સની સંખ્યા ઘટીને 4.55 કરોડ થઈ ગઈ છે. અગાઉના ડ્રાફ્ટ લિસ્ટમાં કુલ 5.54 કરોડ નામ સામેલ હતા, પરંતુ પંચની ટીમે ડોર-ટૂ-ડોર તપાસ કરીને લગભગ 99.32 લાખ વોટર્સને ASDD કેટેગરીમાં મૂક્યા છે. આ કેટેગરી એટલે કે જે લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે, ગેરહાજર છે, મૃત્યુ પામ્યા છે અથવા તો ડુપ્લિકેટ નામ છે, જેમાંથી મોટાભાગના લોકો કાયમી ધોરણે ઘર બદલી ચૂકેલા નીકળ્યા છે.

આ ફાઇનલ લિસ્ટનું સૌથી મોટું અને રસપ્રદ પાસું એ સામે આવ્યું છે કે કર્ણાટકમાં મહિલા વોટર્સની સંખ્યા 2.29 કરોડ થઈ ગઈ છે, જે પુરુષ વોટર્સની 2.25 કરોડની સંખ્યા કરતા વધી ગઈ છે. આ જનસંખ્યાકીય બદલાવને કારણે રાજ્યનું જેન્ડર રેશિયો ડ્રાફ્ટ લિસ્ટમાં 1000 પુરૂષો સામે 1014 મહિલાઓ હતો તે વધીને ફાઇનલ લિસ્ટમાં 1017 થઈ ગયો છે. ઉંમરના હિસાબે વાત કરીએ તો 30 થી 39 વર્ષની વય જૂથના 1.02 કરોડ નાગરિકો સૌથી મોટો વર્ગ બનીને બહાર આવ્યા છે, જ્યારે 40 થી 49 વર્ષની વયના 94.17 લાખ અને 20 થી 29 વર્ષની વયના 86.56 લાખ વોટર્સ આ લિસ્ટમાં સામેલ છે.

બેંગલુરુમાં મીડિયા સાથે વાત કરતા કર્ણાટકના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર વી. અંબુકુમારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વ્યક્તિએ ફોર્મ 7 દ્વારા વાંધો ઉઠાવ્યો માત્ર એટલા માટે એક પણ નામ હટાવવામાં નથી આવ્યું, પરંતુ તમામ પ્રક્રિયા પૂરી કરીને જ નામ કમી કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યસભાના મેમ્બર મન્સૂર ખાને આટલી મોટી સંખ્યામાં 99 લાખ નામ કમી થવા સામે ચિંતા વ્યક્ત કરી છે અને ગરીબ તથા માર્જિનલાઈઝ્ડ સમુદાયોના નામ નીકળી ગયા હોવાની આશંકા જતાવી કોંગ્રેસના બૂથ લેવલ એજન્ટોને મદદ કરવા અપીલ કરી છે. પંચ દ્વારા નાગરિકોને ફોર્મ 6 ભરીને નામ જોડાવવા અને યુવાનોને 18 વર્ષ પૂરા થતાં જ નામ લિસ્ટમાં સામેલ કરવા વિનંતી કરવામાં આવી છે.

LATEST ARTICLES