રશિયાના મોસ્કો ખાતે ગેસ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ ફોરમ (GECF) ની 8મી સમિટ યોજાઈ હતી, જેમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને દુનિયાનું ધ્યાન ખેંચતી મોટી જાહેરાતો કરી છે. મંગળવારે યોજાયેલી આ સમિટમાં પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રશિયાએ હવે ગેસનો સપ્લાય વધારવાની જરૂર છે અને આ માટે દેશ ખુલ્લા મનથી સહયોગ કરવા તૈયાર છે. ખાસ કરીને તેમણે અમેરિકાના partners સાથે પણ ગેસ સેક્ટરમાં સાથે મળીને કામ કરવાની શક્યતાઓ પર કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ જાહેરાતથી વૈશ્વિક એનર્જી માર્કેટમાં એક મોટો બદલાવ જોવા મળી શકે છે.
આ શિખર સંમેલન અગાઉ ક્રિમલિનના સહયોગી યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે પ્રમુખ પુતિન આ સમિટમાં ગેસ ઈન્ડસ્ટ્રી સામે ઊભા થયેલા ભૌગોલિક-રાજકીય પડકારો અને તેની સમસ્યાઓ તેમજ તેને ઉકેલવાની પ્રાથમિકતાઓ પર ખાસ વાતચીત કરશે. આ સમિટમાં સામેલ તમામ દેશોના નેતાઓ મળીને મોસ્કો ડિક્લેરેશન અપનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ દસ્તાવેજ દ્વારા સભ્ય દેશો વિશ્વભરમાં ગેસના ભરોસાપાત્ર સપ્લાયર તરીકે પોતાની ભૂમિકા મજબૂત કરશે અને ટ્રેડ રૂટ્સમાં વિવિધતા લાવવા માટે સહયોગ વધારશે.
આગામી સમયમાં રશિયા અને યુએસ partners વચ્ચેની આ સંભવિત ભાગીદારીથી વૈશ્વિક એનર્જી ક્ષેત્રે નવા સમીકરણો સર્જાઈ શકે છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશોની વિશ્વસનીયતા વધારવાનો અને ગેસ સપ્લાયમાં આવતી અડચણોને દૂર કરવાનો છે. મોસ્કો ડિક્લેરેશન પાસ થયા બાદ ગેસ સેક્ટરમાં વ્યાપારિક સંબંધો અને વેપારના રસ્તાઓ બદલવા માટેના નવા દરવાજા ખૂલશે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર જોવા મળશે.
