આજકાલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર રોજ નવા નવા ટ્રેન્ડ્સ અને સ્લેંગ વાયરલ થતા હોય છે, પરંતુ તેમાંના કેટલાક શબ્દો સીધા લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બની જાય છે. આવો જ એક લોકપ્રિય શબ્દ “maxxing” હવે સત્તાવાર રીતે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. પ્રખ્યાત ડિક્શનરી પ્લેટફોર્મ દ્વારા આ શબ્દને સત્તાવાર રીતે 2026નો વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. મૂળ ગેમિંગ અને ઓનલાઈન કમ્યુનિટીમાંથી બહાર આવેલો આ શબ્દ આજે દેખાવ, પૈસા, કામ અને પર્સનલ હેબિટ્સ જેવી બાબતોમાં જીવનને બેસ્ટ બનાવવાની ઘેલછા દર્શાવવા માટે મોટા પ્રમાણમાં વપરાઈ રહ્યો છે.
આ શબ્દની ખાસિયત એ છે કે તે એકલા ઉપયોગમાં તો લેવાય જ છે, પરંતુ અન્ય શબ્દો સાથે જોડાઈને તેના નવા જ રૂપો બનાવવામાં પણ નિષ્ણાત છે. દાખલા તરીકે, ફિઝિકલ અપીયરન્સ સુધારવા માટે “looksmaxxing” શબ્દ પ્રચલિત થયો, તો ફાઈનાન્સિયલ ગ્રોથ માટે “moneymaxxing” વપરાય છે. આ ઉપરાંત, સારી ઊંઘ માટે “sleepmaxxing” અને વર્કપ્લેસ પર AI યુઝ વધારવા માટે “tokenmaxxing” જેવા પ્રયોગો પણ ખૂબ લોકપ્રિય થયા છે. ડિક્શનરીના ઇતિહાસ પર નજર કરીએ તો, આ શબ્દના મૂળ “maximum” અને “maximize” સાથે જોડાયેલા છે. ગેમિંગની દુનિયામાં વપરાતી “min-maxing” રણનીતિમાંથી વિકસીને આ શબ્દ Gen Z અને Gen Alphaની જુબાન પર ચઢી ગયો છે અને હવે તે નાઉન, વર્બ કે એડજેક્ટિવ તરીકે પણ બિન્દાસ વપરાઈ રહ્યો છે.
આ રેસમાં “maxxing” શબ્દે affordability, data center, odysey અને unc જેવા મજબૂત દાવેદારોને પાછળ છોડીને બાજી મારી લીધી છે. સોશિયલ મીડિયા પર વર્ષ 2015થી અસ્તિત્વમાં રહેલા આ શબ્દે 2021 પછી વેગ પકડ્યો અને અંતે 2026માં તેમે મેઈનસ્ટ્રીમ કલ્ચર પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. જીવનના દરેક પાસાને 100 ટકા ઓપ્ટિમાઇઝ કરવાની માનસિકતા દર્શાવતો આ શબ્દ ભવિષ્યમાં પણ નવા ટ્રેન્ડ્સને વ્યાખ્યાયિત કરતો રહેશે તે નક્કી છે.
