મહારાષ્ટ્રમાં દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતો માટે સરકારે દિવાળી પહેલા જ રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે આ સપ્તાહની અંદર જ રાજ્યના 1.5 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં એડવાન્સ ડ્રોટ રિલીફ પેટે 5,000 રૂપિયા જમા કરી દેવામાં આવે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ મોટા નિર્ણય અંતર્ગત સરકારે આ સહાય માટે કુલ 7,500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, જેથી અન્નદાતાઓની દિવાળી અંધારામાં ન ડૂબે અને તેઓ ખુશીથી તહેવાર ઉજવી શકે.
સરકારે આ બાબતે ખાસ તકેદારી રાખી છે કે બેંકો આ નાણાંમાંથી કોઈ પણ પ્રકારની કપાત ન કરે, જેથી ખેડૂતોને પૂરેપૂરી રકમ મળી શકે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેના જણાવ્યા મુજબ, માત્ર આ 5,000 રૂપિયાની તાત્કાલિક આર્થિક મદદ જ નહીં, પરંતુ દુષ્કાળ જાહેર થયા પછી મળતા અન્ય 12 પ્રકારના ફાયદાઓ પણ ખેડૂતોને આપવામાં આવશે. જેમાં ફી માફી, પાણીની વ્યવસ્થા, લોન રિઓર્ગેનાઈઝેશન અને લોન રિકવરીમાં રાહત જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ સમયસર મદદ મેળવી શકે.
વર્ધામાં મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ઇતિહાસમાં પહેલીવાર ડિસેમ્બર પહેલા ખેડૂતોને આ પ્રકારે એડવાન્સ આર્થિક સહાય મળી રહી છે. અગાઉ નાના ખેડૂતોને માંડ 1,000 રૂપિયા મળતા હતા, જ્યારે હવે દરેક પાત્ર ખેડૂતને ઓછામાં ઓછા 5,000 રૂપિયા મળી રહ્યા છે અને બાકીનું વળતર બાદમાં ચૂકવાશે. જો કે આ રકમ ખેડૂતોના નુકસાન સામે નાની છે, છતાં સરકાર તેમની મુશ્કેલીઓ સમજતી હોવાથી આ કટોકટીના સમયમાં તેમને મોટો ટેકો મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
