ટેકનોલોજીની દુનિયામાં એક ચોંકાવનારા અહેવાલમાં સામે આવ્યું છે કે પ્રખ્યાત AI કંપની એન્થ્રોપિકનું પોતાનું જ AI મોડેલ હવે કંપનીની અંદર મોટાભાગનું સોફ્ટવેર લખી રહ્યું છે. યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં સબમિટ કરાયેલા એન્થ્રોપિકના S-1 ફાઇલિંગ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કંપનીના કોડબેઝમાં 90 ટકાથી વધુ ફાળો તેના AI મોડેલ ક્લાઉડે આપ્યો છે. ઓક્ટોબર 26ના રોજ ફાઇલ કરાયેલા આ 335 પેજના ડોક્યુમેન્ટથી એન્થ્રોપિક કંપની આગામી મહિનામાં જ નાસ્ડેક પર "ANT" ટિકર હેઠળ લિસ્ટિંગ તરફ આગળ વધી રહી છે. આ મોટા બદલાવથી સોફ્ટવેર એન્જિનિયરિંગની નોકરીનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે અને હવે એન્જિનિયર્સ જાતે લાઇન-બાય-લાઇન કોડ લખવાને બદલે મુખ્યત્વે ક્લાઉડના આઉટપુટને ડાયરેક્ટ અને રિવ્યુ કરવાનું કામ કરી રહ્યા છે.
આ આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન પ્રતિ એન્જિનિયર સરેરાશ ડેઈલી કોડ કન્ટ્રિબ્યુશન વર્ષ 2024ના એવરેજ ડેઈલી લેવલ કરતાં 45 ગણાથી પણ વધુ થઈ ગયું છે. કંપની હવે રિસર્ચ, ડિઝાઇન અને નવા મોડેલ ડેવલપ કરવા માટે પણ પોતાના જ AI પર નિર્ભર છે, જેને કંપની લૂપ બંધ કરવાની પ્રક્રિયા કહે છે. ક્લાઉડ હવે ખુદ પ્રયોગો ચલાવે છે, ટ્રેનિંગ ડેટા જનરેટ કરે છે અને ઓટોમેટેડ ઇવેલ્યુએશન તથા સેફટી ઓડિટમાં પણ મદદ કરે છે. આ ઝડપી પ્રગતિની સાથે કંપનીનો સ્ટાફ વર્ષ 2024ના અંતમાં આશરે 940 કર્મચારીઓથી વધીને સપ્ટેમ્બરના અંત સુધીમાં આશરે 5,300 સુધી પહોંચી ગયો છે, જોકે AI એજન્ટ્સ કોડિંગ અને બગ ફિક્સ જેવા કામો સંભાળી લેતા હોવાથી કંપની હવે જૂનિયર ટેકનિકલ પોઝિશન્સ પર ઓછી ભરતી કરી રહી છે.
કંપનીના CEO ડારીઓ એમોડિએ દોઢ વર્ષ પહેલા જ AI દ્વારા 90 ટકા કોડિંગ થવાની ભવિષ્યવાણી કરી દીધી હતી, જે આજે સાચી સાબિત થઈ છે અને ક્લાઉડ કોડ ટીમના વડા બોરિસ ચર્નીએ તો ગયા જૂનમાં જ એવું કહ્યું હતું કે તેમણે છેલ્લા 8 મહિનાથી હાથેથી એક પણ લાઇન કોડ નથી લખ્યો. જો કે, આ તમામ સફળતા વચ્ચે ફાઇલિંગમાં એક ચેતવણી પણ આપવામાં આવી છે કે તેમના AI સિસ્ટમ્સ અનિચ્છનીય કે સ્વાયત્ત રીતે વર્તી શકે છે જે બિઝનેસને નુકસાન પહોંચાડી શકે છે. આ એ જ સિસ્ટમ છે જે આજે કંપનીના કોડબેઝમાં દર 10માંથી 9 યોગદાન આપી રહી છે અને આગામી સમયમાં નવું ક્લાઉડ તૈયાર કરવામાં પણ મોટો ભાગ ભજવી રહી છે.
