JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

તમિલનાડુના મધુરાઈમાં રમતા-રમતા 7 વર્ષના બાળકનું ગળે ટૂંપો દેવાથી મોત, પુત્રને બચાવવા માતાએ લાશ છુપાવી

Oct 27, 2026 | 18:05 | By JAMNAGAR MIRROR
તમિલનાડુના મધુરાઈમાં રમતા-રમતા 7 વર્ષના બાળકનું ગળે ટૂંપો દેવાથી મોત, પુત્રને બચાવવા માતાએ લાશ છુપાવી
રવિવારે રમવા ગયેલો 7 વર્ષનો મુથુવેલ મોડે સુધી પરત ન ફરતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને સોમવારે સવારે તેની લાશ એક નિર્જન મકાનમાંથી મળી આવી હતી. રમતા-રમતા 10 વર્ષના મિત્રે ગળામાં દોરડું કસી દેતા બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે પુત્રને બચાવવા માટે આરોપી મહિલાએ લાશને સંતાડી દીધી હતી જેને પોલીસે અરેસ્ટ કરી લીધી છે.

તમિલનાડુના મધુરાઈ ડિસ્ટ્રિક્ટમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રવિવારે રમવા ગયેલો 7 વર્ષનો મુથુવેલ નામનો બાળક ઘેર પાછો આવ્યો નહોતો. બાળકના ગુમ થયા બાદ પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી પરંતુ કોઈ પતો ન લાગતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે મામલાની ગંભીરતા સમજીને તુરંત તપાસ શરૂ કરી હતી અને 5 સ્પેશિયલ ટીમો તેમજ 90 જેટલા પોલીસ કર્મચારીઓને કામે લગાડ્યા હતા. સઘન સર્ચ ઓપરેશન બાદ સોમવારે સવારે એક બંધ પડેલા અને ખંડેર હાલતના મકાનમાંથી મુથુવેલની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

પોલીસની તપાસમાં ખૂલાસો થયો છે કે ઘટનાના દિવસે મુથુવેલ અને તેનો 10 વર્ષનો મિત્ર સાથે રમી રહ્યા હતા, તે દરમિયાન પેલા 10 વર્ષના બાળકે અચાનક મુથુવેલના ગળામાં દોરડું કસી દીધું હતું. ગભરાઈને ભાગતી વખતે મુથુવેલ ચક્કર ખાઈને દીવાલ સાથે અથડાયો હતો, જેના કારણે તેના આગળના દાંત પણ ભાંગી ગયા હતા. ત્યારબાદ તે પોતાના એ મિત્રના ઘરે પાણી પીવા ગયો હતો જ્યાં તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યાં હાજર પેલા મિત્રની 32 વર્ષીય માતાએ જ્યારે જોયું કે બાળકનું મોત થઈ ચૂક્યું છે, ત્યારે પોતાના દીકરાને બચાવવા અને પુરાવા નષ્ટ કરવા માટે તેણે મુથુવેલની લાશને ઉપાડીને નજીકના એક નિર્જન મકાનમાં સંતાડી દીધી હતી.

લાશ મળ્યા બાદ પોલીસે ફોરેન્સિક એક્સપર્ટ્સ અને ડોગ સ્કવોડની મદદથી પુરાવા એકત્ર કર્યા હતા અને બોડીને પોસ્ટમોર્ટમ માટે મધુરાઈની ગવર્મેન્ટ રાજાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. શરૂઆતમાં પરિવારજનોએ આ હત્યાનો મામલો હોવાનો આરોપ લગાવીને બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં સાચી હકીકત બહાર આવી છે. પોલીસે પુત્રને બચાવવા માટે લાશ છુપાવનાર 32 વર્ષીય મહિલાની અરેસ્ટ કરી લીધી છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા 10 વર્ષના સગીર બાળકને જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.

LATEST ARTICLES