મંગળવારે ચેન્નાઈના સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. મદ્રાસ હાઈકોર્ટની બરાબર બહારથી પસાર થતી એક સિટી બસે અચાનક કાબૂ ગુમાવી દીધો હતો અને રોડ પર પાર્ક કરેલી ગાડીઓને ટક્કર મારવાનું શરૂ કર્યું હતું. આ બેકાબૂ બસે એક પછી એક કુલ 7 કારને નુકસાન પહોંચાડ્યું હતું અને અંતે રોડ વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાઈને અકી ગઈ હતી. રાહતની વાત એ રહી કે આટલા મોટા અકસ્માત છતાં કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાસ્થળે થોડીવાર માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
અકસ્માતનો ભોગ બનેલી તમામ 7 કાર હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોની હોવાનું સામે આવ્યું છે. રૂટ નંબર 109A પર દોડતી આ બસ ડિવાઈડર પર ચઢી જવાથી વચ્ચે જ ફસાઈ ગઈ હતી, જેને બાદમાં ક્રેનની મદદથી હટાવવામાં આવી હતી. ઘટનાના એક પ્રત્યક્ષદર્શીયે જણાવ્યું હતું કે તે સામેના રસ્તા પર આવેલી બેંક બહાર હતો ત્યારે તેણે ભારે બૂમાબૂમ સાંભળી હતી. બસે કાર અને ડિવાઈડરને ટક્કર મારી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી 3 મહિલાઓ અથવા રાહદારીઓ માંડ-માંડ ચમત્કારિક રીતે બચી ગયા હતા. પોલીસે આ મામલે બસના ડ્રાઈવર અને કંડક્ટરની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય.
પ્રાથમિક તપાસમાં પોલીસ અધિકારીનું માનવું છે કે બ્રેક ફેઈલ થઈ જવાના કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે, જોકે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. આ ઘટના બાદ કોર્ટ બહાર વકીલોમાં રોષ અને ચિંતા જોવા મળી હતી. વકીલોએ માંગ કરી છે કે કોર્ટની બહાર અવારનવાર થતી ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે ખાસ એક્સક્લૂઝિવ મલ્ટિલેવલ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા જોખમો ટાળી શકાય.
