મતદાર સ્લિપ અને યાદીમાં છાપકામની કે સોફ્ટવેરની ભૂલો તો અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં આ મુદ્દો હવે એક મોટા રાજકીય વિવાદનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. તાજેતરની વિધાન પરિષદની ચૂંટણીઓ માટે તૈયાર થયેલી મતદાર યાદીમાં નામો છાપતી વખતે થયેલી ગંભીર ભુલોને લઈને હોબાળો મચ્યો છે. મતદાર યાદીમાં “રામે યાદવને માર્યા” અને “રામે શર્માને માર્યા” જેવા વિચિત્ર અને વાંધાજનક ઉલ્લેખો જોવા મળ્યા હતા, જેને લઈને સોશિયલ મીડિયા પર અને રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે લખનૌમાં એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) નવદીપ રિનવા પર આકરા પ્રહારો કર્યા. સંજયસિંહે આરોપ લગાવ્યો કે ચૂંટણી અધિકારી ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે, કારણ કે યાદીમાં “મોહમ્મદ ઈકબાલ ભીખ માંગતે હૈં” જેવું વાંધાજનક લખાણ પણ સામે આવ્યું હતું. આ તમામ વિવાદ વચ્ચે યુપીના CEO કાર્યાલયના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી સ્પષ્ટતા આપવામાં આવી કે કમ્પ્યુટર કે સોફ્ટવેર જાતિવાદી નથી હોતા અને આ માત્ર ટેક્નિકલ કે ટાઈપિંગની ભૂલ છે. પરંતુ આ સ્પષ્ટતા સાથે કરવામાં આવેલી એક કટાક્ષપૂર્ણ ટિપ્પણીએ આગમાં ઘણ નાખવાનું કામ કર્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે સારું થયું કે રામે કોઈ લઘુમતીને ન માર્યા નહીં તો સાંપ્રદાયિકતાનો આરોપ લાગત.
આવી બિનજરૂરી અને સંવેદનશીલ ટિપ્પણીને કારણે રાજકીય અને સામાજિક સ્તરે રોષ ફેલાતા આખરે ચૂંટણી પંચે નમતું જોખવું પડ્યું છે. મંગળવારે પંચે સત્તાવાર નિવેદન જારી કરીને સ્વીકાર્યું કે તેમની પોસ્ટનો લહેકો, ભાષા અને તીખાશ એક સરકારી પ્લેટફોર્મને શોભે તેવી નહોતી. પંચે સ્પષ્ટ શબ્દોમાં માફી માંગતા કહ્યું કે આ ટિપ્પણીઓથી જેમને પણ આઘાત લાગ્યો છે અથવા ગુસ્સો આવ્યો છે, તેમની તેઓ દિલથી માફી માંગે છે અને ભવિષ્યમાં આવા સત્તાવાર સંવાદો સંપૂર્ણપણે મર્યાદિત અને ઔપચારિક જ રહેશે.
