આજકાલ ઇમરજન્સી પૈસાની જરૂર હોય ત્યારે લોકો દાગીના વેચ્યા વગર બેંક કે ફાઇનાન્સ કંપની પાસેથી ગોલ્ડ લોન લેવાનો સરળ રસ્તો અપનાવે છે. આમાં સોનું ગીરો મૂકીને તેના મૂલ્યના આધારે લોન આપવામાં આવે છે, પરંતુ તેમાં મોટું જોખમ પણ છુપાયેલું છે. સોનાના બજાર ભાવ હંમેશા એક સરખા નથી રહેતા અને જો લોન લીધા પછી ભાવ ઘટે, તો ધિરાણકર્તા પાસે રાખેલા દાગીનાનું મૂલ્ય પણ નીચે આવી જાય છે. આનાથી 'લોન-ટુ-વેલ્યુ' એટલે કે LTV રેશિયો સીધો વધી જાય છે, જે ઉધાર લેનાર માટે ચિંતાનો વિષય બની શકે છે.
આ બાબતને સમજવા માટે 5 લાખ રૂપિયાની ગોલ્ડ લોનનું ઉદાહરણ લઈએ, જેમાં 80 ટકાના LTV પર બેંક પાસે અંદાજે 6.25 લાખ રૂપિયાનું સોનું ગીરો હોવું જરૂરી બને છે. જો સોનાના ભાવમાં 10 ટકાનો ઘટાડો થાય, તો દાગીનાનું મૂલ્ય ઘટીને 5.63 લાખ રૂપિયા થઈ જાય છે અને LTV વધીને 80 ટકાથી સીધો 89 ટકા પર પહોંચી જાય છે. જો ભાવમાં 15 ટકાનો ઘટાડો થાય તો LTV વધીને 94 ટકા અને 20 ટકાના ઘટાડા પર તે લગભગ 100 ટકા થઈ જાય છે. આરબીઆઈના નિયમ મુજબ લોનની મુદત દરમિયાન નિર્ધારિત LTV જાળવવું ફરજિયાત છે, અને જો આ રેશિયો મર્યાદાથી ઉપર જાય તો બેંક કે કંપની ગ્રાહક પાસે બાકી રકમ ભરપાઈ કરવા અથવા વધારાનું સોનું મૂકવા કહી શકે છે.
આવી મુશ્કેલીથી બચવા માટે લોનના દસ્તાવેજ પર સહી કરતા પહેલા બેંકના નિયમો અગાઉથી જ જાણી લેવા જરૂરી છે. વ્યાજ ઉમેરાવાને કારણે બાકી રકમ વધતી જાય અને સામે સોનાના ભાવ ઘટે તો મુશ્કેલી વધુ ઝડપથી આવી શકે છે. ઉપરાંત, બેંક સોનાનું મૂલ્ય ગણતી વખતે દાગીનામાં જડેલા નંગ કે રત્નોની કિંમત નથી ગણતી, તેથી જ્વેલરીની દુકાન કરતાં બેંકનું વેલ્યુએશન ઓછું થઈ શકે છે. જો તમને ઓછી રકમની જરૂર હોય તો હંમેશા ઓછી લોન જ લેવી જોઈએ, જેથી સેફ્ટી માર્જિન જળવાઈ રહે અને ભાવ ઘટે તો પણ લોન પર કોઈ દબાણ ન આવે.
