સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSCમાં સુધારાઓ અને કાયમી સભ્યપદને મુદ્દે ભારતે પોતાનું કડક અને સ્પષ્ટ વલણ દુનિયા સામે મૂકી દીધું છે. ભારતે દુનિયાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે યુએનએસસીમાં એવા કોઈ પણ સુધારા મંજૂર નથી જે વીટો પાવર વગરના નવા કાયમી સભ્યોની શ્રેણી ઊભી કરતા હોય. જો આવું કંઈક થાય તો તે નવા સભ્યોને સીધા બીજા વર્ગના સભ્યો બનાવી દેશે અને જે હાલના પાંચ કાયમી સભ્યો એટલે કે P5 નું વર્ચસ્વ ચાલી રહ્યું છે તે આમ જ જળવાઈ રહેશે, જે વૈશ્વિક ન્યાયના હિસાબે બિલકુલ યોગ્ય નથી.
સુરક્ષા પરિષદના સુધારાઓ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભારતે ભારપૂર્વક આ વાત કહી છે કે જો પરિષદમાં નવા કાયમી સભ્યો ઉમેરવામાં આવે તો તેમને પણ હાલના પાંચ કાયમી સભ્યોની જેમ જ તમામ સમાન અધિકારો અને વીટો પાવર મળવો જ જોઈએ. માત્ર દેખાડા માટેના કે પછી મર્યાદિત અધિકારો આપી દેવાથી કાયમી સભ્યપદ મળવાનો કોઈ અર્થ નથી સરતા અને તેનાથી વૈશ્વિક અસમાનતા દૂર નહીં થાય. ભારતનું સ્પષ્ટ માનવું છે કે માત્ર ટુકડે-ટુકડે સુધારાઓ કરવાથી કોઈ મોટું પરિણામ નહીં આવે, પરંતુ સુરક્ષા પરિષદના તમામ પાંચ મુખ્ય મુદ્દાઓ પર એકસાથે ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ જેથી આ વૈશ્વિક સંસ્થા આજની વાસ્તવિકતાઓ સાથે કદમ મિલાવી શકે, બાકી 1945ની જૂની વ્યવસ્થા પ્રમાણે આખી ગાડી ચાલતી રહે તે હવે ચલાવી લેવાય તેમ નથી.
વધુમાં ભારતે એ વાતની પણ નોંધ લીધી છે કે 2022ની વીટો પહેલને એક મોટા પરિવર્તનના સંકેત તરીકે જોવાઈ હતી, પરંતુ યુએનજીએના 76/262 પછી વીટોનો થઈ રહેલો મોટા પ્રમાણમાં ઉપયોગ અને તેની આજની વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ કહાની કહી રહી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિઓએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરીને એકદમ સ્પષ્ટ અને તથ્યાત્મક વાતો શરૂૂ કરવામાં આવે, જેથી આખી દુનિયાની આ મોટી વૈશ્વિક સંસ્થાઓમાં સાચી લોકશાહી અને ન્યાયી પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થઈ શકે.
