આપણે ત્યાં મોટા ભાગના લોકો સૂતી વખતે રાત્રે ડાયરીમાં બે-ચાર લીટીઓ લખીને મૂકી દેતા હોય છે, પણ ક્યારેય એવું નથી વિચારતા કે આ સાદી નોંધો ક્યારેક કોઈ મ્યુઝિયમની શોભા વધારશે. ઓહાયોના એક ખેડૂત પરિવાર સાથે બિલકુલ આવું જ બન્યું છે. 1903માં જન્મેલા અન્નામે બાર્લુપ માયર્સે પોતાના જીવનના 36 વર્ષ સુધી ખેતી અને પરિવારની નાની-મોટી બાબતો એકદમ નિયમિત રીતે નોંધી હતી. તેમને ખબર પણ નહોતી કે તેઓ જે સામાન્ય વાતો લખી રહ્યા છે, તે ભવિષ્યમાં ઇતિહાસકારો માટે અમેરિકાના ગ્રામીણ જીવનનો સૌથી મોટો અને અણમોલ ખજાનો બની જશે. આજે તેમની આ ડાયરીઓ 3 મોટા આર્કાઇવલ બોક્સમાં ભરીને સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ અમેરિકન હિસ્ટ્રીમાં ગર્વભેર રાખવામાં આવી છે.
1931થી શરૂ કરીને અન્નામેએ પોતાના જીવનની એકેય નાની વિગત છોડી નહોતી. વરસાદ કે બરફવર્ષાથી માંડીને બિયારણ વાવવું, પાક લણવો, બજારમાં ખરીદી કરવા જવું, પડોશીઓની મુલાકાતો, ચર્ચની સભાઓ અને સિનેમાઘરમાં વિતાવેલી સાંજો જેવી બાબતો તેમાં સામેલ હતી. આ સાથે તેઓ ઈંડા, પશુઓ અને ખેતીની અન્ય પેદાશો વેચીને કેટલી કમાણી થતી તેની પણ હિસાબી નોંધ રાખતા હતા. મહામંદી અને યુદ્ધ પછીના મુશ્કેલ સમયમાં કરિયાણાના ભાવ કેવા હતા અને ઘરનું બજેટ કેવું રહેતું તેનો આનાથી સચોટ અંદાજ મળે છે. માયર્સ પરિવારનું જીવન માત્ર રસોડા કે ઘર સંભાળવા પૂરતું મર્યાદિત નહોતું. અન્નામે ટ્રેક્ટર ચલાવવાથી માંડીને લણણી વખતે મજૂરો માટે ભોજન બનાવવું, બટર બનાવવું અને કપડાં સીવવા જેવા કામો પણ જાતે જ કરતા હતા. તેમના પતિ ક્લેરેન્સ માયર્સ પણ ખેતીની સાથે કાઉન્ટી રોડ, ફાઉન્ડ્રી અને ફેક્ટરીમાં નોકરી કરીને પરિવારને આર્થિક ટેકો આપતા હતા.
ખેતી અને ઘરના કામો ઉપરાંત આ ડાયરીઓમાં તેમના 3 બાળકોનો ઉછેર, સ્કૂલના ફંક્શનો, સંગીતના ક્લાસીસ અને સગાંસંબંધીઓની અવરજવરના અંગત માઈલસ્ટોન પણ સચવાયેલા છે. ખાસ વાત એ છે કે સરકારી ચોપડા કે અખબારોમાં જે નોંધ નથી મળતી, તે પર્લ હાર્બર હુમલો, ડી-ડે, પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટનું અવસાન અને વર્લ્ડ વોર 2 નો અંત જેવા મોટા ઐતિહાસિક બનાવો સામાન્ય પરિવાર પર કેવી અસર કરતા હતા તેની સાક્ષી આ ડાયરીઓ પૂરે છે. આજે ઈતિહાસકારો માટે આ ડાયરીઓ મહિલાઓની ખેતીમાં ભૂમિકા અને સામાજિક બદલાવો અભ્યાસ કરવા માટે સોનાની ખાણ સમાન સાબિત થઈ રહી છે. સામાન્ય માણસની રોજિંદી કલમથી લખાયેલી આ વાતો આજે આખી પેઢી માટે ઇતિહાસ બની ગઈ છે.
