JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

માઈક્રોસોફ્ટ લાવ્યું વોલેન્ટરી એક્ઝિટ ઓફર, ભારત સહિત 4 દેશોના કર્મચારીઓને મળશે નાણાકીય સહાય

Oct 27, 2026 | 15:35 | By JAMNAGAR MIRROR
માઈક્રોસોફ્ટ લાવ્યું વોલેન્ટરી એક્ઝિટ ઓફર, ભારત સહિત 4 દેશોના કર્મચારીઓને મળશે નાણાકીય સહાય
ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે ભારત સહિત 4 દેશોમાં કામ કરતા કર્મચારીઓ માટે એક ખાસ વોલેન્ટરી એક્ઝિટ ઓફરની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ કંપની છોડવા માંગતા કર્મચારીઓને ફાઈનાન્શિયલ સપોર્ટ અને કરિયર ટ્રાન્ઝિશનમાં મદદ મળશે, જોકે ભારતમાં તેનાથી કેટલા કર્મચારીઓ પ્રભાવિત થશે તે હજુ સ્પષ્ટ નથી.

ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે ભારત, અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશોમાં પોતાના કર્મચારીઓ માટે એક સ્વૈચ્છિક નોકરી છોડવાની એટલે કે વોલેન્ટરી એક્ઝિટ ઓફર રજૂ કરી છે. વૈશ્વિક સ્તરે આ પ્રોગ્રામના દાયરામાં અંદાજે 60000 કર્મચારીઓ આવે છે, પરંતુ તેનો લાભ કોને મળશે અને કેટલા લોકો ભાગ લેશે તેનો આધાર બિઝનેસની જરૂરિયાતો પર રહેશે. માઈક્રોસોફ્ટના ચીફ પીપલ ઓફિસર એમી કોલમેનના બ્લોગ પોસ્ટ મુજબ આ ઓફર લેવલ 70 અને તેનાથી નીચેના પદો પર કામ કરતા કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે, જેમાં ભારતના પાત્ર કર્મચારીઓએ 1 ડિસેમ્બર સુધીમાં આ ઓફર સ્વીકારવી કે નહીં તેનો નિર્ણય લેવાનો રહેશે.

આ ઓફર હેઠળ કંપની છોડનાર પાત્ર કર્મચારીઓને સામાન્ય સેવરન્સ પેકેજ જેવી જ આર્થિક સહાય મળશે, જેમાં નોકરીના દરેક પૂરા થયેલા વર્ષ દીઠ 1 મહિનાનો બેઝ સેલરી, હેલ્થ ઇન્શ્યોરન્સ અને કરિયર પ્લાનિંગની મદદ સામેલ છે. ભારતમાં માઈક્રોસોફ્ટના અંદાજે 23000 કર્મચારીઓ કામ કરે છે, પરંતુ કંપનીએ હજુ સુધી એ નથી જણાવ્યું કે તેમાંથી કેટલા કર્મચારીઓ આ ઓફર માટે લાયક છે. જોકે આ મોટા પગલા વચ્ચે પણ માઈક્રોસોફ્ટે ભારતીય માર્કેટ પ્રત્યે પોતાની કટિબદ્ધતા જાળવી રાખી છે અને કંપનીએ વર્ષ 2025 થી વર્ષ 2029 દરમિયાન ક્લાઉડ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્કિલિંગ ક્ષેત્રે 20.5 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું છે.

અમેરિકામાં વિદેશી કામદારો અને વિઝા નીતિઓને લઈને ચાલી રહેલી તપાસ વચ્ચે માઈક્રોસોફ્ટનું આ પગલું સામે આવ્યું છે, જોકે કંપનીના જણાવ્યા મુજબ આ એક્ઝિટ ઓફર અને વિઝા વિવાદ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. આ અગાઉ જુલાઈ મહિનામાં પણ કંપનીએ વાર્ષિક રિકન્સ્ટ્રક્ચરિંગના ભાગરૂપે અંદાજે 4800 નોકરીઓ ઘટાડી હતી. માઈક્રોસોફ્ટનું માનવું છે કે આ નવી પહેલથી જે કર્મચારીઓ કંપની બહાર પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેમને યોગ્ય સહાય મળી રહેશે અને કંપની પણ બદલાતી જરૂરિયાતો મુજબ પોતાની ટીમમાં યોગ્ય ફેરફાર કરી શકશે.

LATEST ARTICLES