JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

કોચીના નર્સરી ફાયરકાંડ પાછળ યહૂદી ધર્મસ્થળોને ટાર્ગેટ કરવાનો મોટો પ્લાન હોવાની આશંકા

Oct 27, 2026 | 15:35 | By JAMNAGAR MIRROR
કોચીના નર્સરી ફાયરકાંડ પાછળ યહૂદી ધર્મસ્થળોને ટાર્ગેટ કરવાનો મોટો પ્લાન હોવાની આશંકા
કોચીની યહૂદી સિનાગોગ પાસે લાગેલી આગ કોઈ મોટા કાવત્રાનો ભાગ હોઈ શકે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના ફોનમાંથી દેશના અલગ-અલગ શહેરો અને યહૂદી ધર્મસ્થળો પર હુમલા કરવાના મેસેજ મળ્યા છે, સાથે જ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનની પણ તપાસ ચાલી રહી છે.

કોચીના કડવુમ્ભાગમ સિનાગોગ નજીક આવેલી હોર્ટિકલ્ચર નર્સરીમાં લાગેલી આગ હવે સામાન્ય અકસ્માત નહીં પરંતુ એક મોટા આતંકી કાવત્રાની રિહર્સલ હોવાની દિશામાં આગળ વધી રહી છે. પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી તપાસી રહી છે કારણ કે પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ઘટના કોઈ મોટા કાવત્રાનો નાનો ટેસ્ટ રન હોઈ શકે છે. આ કેસમાં એબીન પોલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેણે નર્સરીમાં આગ લગાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા યુએપીએ (UAPA) એક્ટની કલમ 15 અને 18 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

તપાસ દરમિયાન પોલીસને આરોપીના મોબાઈલ ફોનમાંથી ચોંકાવનારા મેસેજ મળ્યા છે, જેમાં દેશના અનેક શહેરો અને ખાસ કરીને યહૂદીઓના ધર્મસ્થળો પર હુમલા કરવાના સંદર્ભો આપવામાં આવ્યા છે. કોચીના સિટી પોલીસ કમિશનર કલિરાજ મહેશ કુમારે જણાવ્યું હતું કે આરોપીને વિદેશી અથવા શંકાસ્પદ સ્ત્રોતોમાંથી USDT જેવી ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ મળ્યું હતું અને તે કોઈના નિર્દેશ પર કામ કરી રહ્યો હતો. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ મેસેજ મોકલનારા અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે. એર્નાકુલમ રૂરલ વિસ્તારમાં અગાઉ બનેલી શંકાસ્પદ ઘટનાઓ સહિત કુલ 4 જેટલી ઘટનાઓને આના પ્રક્ટિસ રન તરીકે જોડવામાં આવી રહી છે અને સ્થળ પર રેકી કર્યાના વિડિયો પણ હાથ લાગ્યા છે.

આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એન્ટિ-ટેરર સ્કવોડ (ATS) શરૂઆતથી જ તપાસમાં જોડાઈ ગઈ છે અને રાજ્ય તેમજ કેન્દ્રની એજન્સીઓને પણ અલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ એ પણ ચકાસી રહી છે કે આ માત્ર એકલદોકલ ઘટના છે કે પછી દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં કોઈ મોટું સંકલિત કાવત્રું ઘડવામાં આવી રહ્યું હતું કે કેમ. જોકે, પોલીસે હાલ સ્પષ્ટ કર્યું છે કે કોઈ સંગઠિત આતંકી નેટવર્ક સ્થાપિત થયાની પુષ્ટિ નથી થઈ, પરંતુ તપાસના આંતરરાષ્ટ્રીય લિંક્સ સામે આવ્યા બાદ આખો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.

LATEST ARTICLES