JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ધારાસભ્યો અને સાંસદોના રાજીનામાથી થતી પેટાચૂંટણીનો ખર્ચ તેમની પાસેથી જ વસૂલો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

Oct 27, 2026 | 15:25 | By JAMNAGAR MIRROR
ધારાસભ્યો અને સાંસદોના રાજીનામાથી થતી પેટાચૂંટણીનો ખર્ચ તેમની પાસેથી જ વસૂલો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ
જે MP કે MLA પક્ષ બદલવા માટે રાજીનામું આપે છે અને ફરી ચૂંટણી લડે છે, તેમને પેટા-ચૂંટણીનો ખર્ચ ભોગવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. અરજદારે સવાલ કર્યો છે કે નેતાઓના અંગત નિર્ણયોનો આર્થિક બોજ જનતા અને કરદાતાઓએ શા માટે ઉઠાવવો જોઈએ?

ચૂંટણી રાજકારણમાં પક્ષ બદલવાની મોસમ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટે એક મોટો અને ગંભીર મુદ્દો હાથ પર લીધો છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ચૂંટણી પંચ સહિતના પક્ષો પાસે જવાબ માંગ્યો છે કે શું કોઈ ધારાસભ્ય કે સાંસદ પોતાના હોદ્દા પરથી સ્વેચ્છાએ રાજીનામું આપીને બીજા પક્ષમાંથી ફરી ચૂંટણી લડે, તો તે પેટા-ચૂંટણીનો તમામ ખર્ચ તેમની પાસેથી જ વસૂલ કરવો જોઈએ? આ મામલો તમિલનાડુના કેટલાક ધારાસભ્યો સાથે જોડાયેલો છે, જેમણે ચૂંટણી જીત્યા બાદ પોતપોતાના પક્ષમાંથી રાજીનામાં આપીને અન્ય રાજકીય પક્ષનો સાથ પકડ્યો હતો અને જેના કારણે સંબંધિત વિસ્તારોમાં ફરીથી ચૂંટણી યોજવાની નોબત આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનની ખંડપીઠ સમક્ષ 27મી ઓક્ટोबरના રોજ આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર કે. સુથન દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં સી. વિજયભાસ્કર, એમ.આર. વિજયભાસ્કર, એસ.કે. સુબ્બૈયા, એસ. જયકુમાર, માર્ગથમ કુમારવેલ અને પી. સત્યાભામા જેવા નેતાઓને નોટિસ ઈસ્યું કરવામાં આવી છે. આ તમામ નેતાઓ 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં AIADMK પક્ષમાંથી જીત્યા બાદ રાજીનામું આપીને TVK પક્ષમાં જોડાયા હતા. અરજદારનો મુખ્ય તર્ક એ છે કે આ નેતાઓએ કોઈ મજબૂરી વગર માત્ર રાજકીય સ્વાર્થ માટે રાજીનામાં આપ્યા છે, જેનાથી સરકારી તિજોરી પર કરોડો રૂપિયાનો બિનજરૂરી આર્થિક બોજ પડ્યો છે અને કરદાતાઓના પૈસા પાણીમાં ગયા છે.

આ અગાઉ મદ્રાસ હાઈકોર્ટે આ જનહિત અરજીને ફગાવી દીધી હતી અને અવલોકન કર્યું હતું કે ચૂંટણી ખર્ચ વસૂલવાની નીતિ બનાવવી એ સંસદ કે વિધાનસભાના અધિકારક્ષેત્રમાં આવે છે, ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જો સુપ્રીમ કોર્ટ આ મામલે કડક વલણ અપનાવે તો ભવિષ્યમાં પક્ષ બદલવા માટે રાજીનામું આપતા નેતાઓ માટે આ મોટો આર્થિક ઝટકો સાબિત થઈ શકે છે. આનાથી માત્ર જાહેર ભંડોળના દુરુપયોગ પર જ રોક નહીં લાગે, પરંતુ જનતાના જનાદેશ સાથે થડા થતા ચેડાં સામે પણ એક મજબૂત કાનૂની દાખલો બેસશે.

LATEST ARTICLES