જામનગર પંથક સહિત સમગ્ર રાજકોટ રેલવે ડિવિઝનમાં મુસાફરોને મળતા પીવાના પાણીની ગુણવત્તાને લઈને રેલવે તંત્ર દ્વારા એક મોટું અને રાહતદાયક પગલું ભરવામાં આવ્યું છે. ટ્રેનોમાં મુસાફરી કરતા લોકો અને રેલવે કોલોનીમાં રહેતા પરિવારોને શુદ્ધ પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા પાણીની ગુણવત્તા પર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે, જેના તાજેતરમાં સામે આવેલા પરિણામો અત્યંત ઉત્સાહજનક રહ્યા છે અને ૧૦૦ ટકા સંતોષકારક પરિણામો સામે આવ્યા છે.
રેલવેના જણાવ્યા અનુસાર તા. 27 ઓગસ્ટથી તા. 23 ઓક્ટોબર દરમિયાન ડિવિઝન હેઠળ આવતા કુલ 53 સ્ટેશનો, 51 રેલવે કોલોની, 10 આરપીએફ બેરેક અને 6 રનિંગ રૂમમાં પાણીના સેમ્પલની સઘન તપાસ કરવામાં આવી હતી. પીવાના પાણીમાં જંતુ મુક્તિકરણની અસરકારકતા ચકાસવા માટે કુલ 962 રેસીડ્યુઅલ ક્લોરીન પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જે તમામ એકદમ સંતોષકારક જણાયા હતા. આ ઉપરાંત પીવાના પાણીની જીવાણુભૂત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કુલ 262 બેક્ટેરિયોલોજિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યા હતા, જેમાં પણ 100 ટકા સફળતા મળી હતી.
આ સંતોષકારક પરિણામોથી સાબિત થાય છે કે રેલવે દ્વારા મુસાફરોની હેલ્થ સાથે કોઈ ચેડા કરવામાં આવતા નથી અને શુદ્ધતાની બાબતમાં પૂરતી કાળજી લેવાય છે. આગામી સમયમાં પણ રેલવે પ્રવાસીઓને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી સતત મળતું રહે તે માટે આ પ્રકારનું ચેકિંગ નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે, જેથી લોકો બિમારીથી બચી શકે અને સુરક્ષિત મુસાફરીનો આનંદ માણી શકે.
