JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

જામનગરના સચાણા આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની અનિયમિતતાથી દર્દીઓ પરેશાન

Oct 27, 2026 | 16:26 | By JAMNAGAR MIRROR
સચાણા આરોગ્ય કેન્દ્રમાં તબીબો અને નર્સીંગ સ્ટાફની ગેરહાજરીના કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી. ગામના સરપંચ સારાબેન ડક્કલે જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

જામનગર તાલુકાના સચાણા ગામના આરોગ્ય કેન્દ્રમાં તબીબો અને સ્ટાફની અનિયમિતતાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ સચાણા-૨ આરોગ્ય મંદિરમાં આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. અહીં સારવાર માટે આવતા દર્દીઓને ડોકટરોની રાહ જોવામાં કલાકો બગડે છે અને અંતે નાછૂટકે જામનગર સુધી લાંબા થવું પડે છે.

ગામના સરપંચ સારાબેન ડક્કલે આ ગંભીર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે આ આરોગ્ય કેન્દ્રમાં નર્સ અને તબીબો સહિત કુલ 6 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ સ્ટાફ ક્યારેય સમયસર હાજર રહેતો નથી. અગાઉ પણ આ અંગે અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી અને સ્થિતિ જસની તસ રહી છે.

ગ્રામજનોમાં રોષે ભરાયેલી સ્થિતિ જોવા મળી રહી છે કે જો સમયસર પૂરતો સ્ટાફ ઉપસ્થિત ન રહેતો હોય તો આવા આરોગ્ય કેન્દ્રોનો શું ફાયદો? વહેલી તકે આ મામલે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરીને જવાબદાર સ્ટાફ સામે કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે, જેથી સામાન્ય લોકોને સ્થાનિક સ્તરે જ યોગ્ય આરોગ્ય સારવાર મળી રહે.

LATEST ARTICLES