સાઉથ ગોવાના બેતુલ વિલેજ ખાતે યોજાયેલી 29th એનર્જી ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન મીટના ઉદ્ઘાટન પ્રસંગે યુનિયન મિનિસ્ટર ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારની પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ હાલના 20 ટકાથી આગળ વધારવાની કોઈ જ ત્વરિત યોજના નથી. તેમણે જણાવ્યું હતું કે E20 એટલે કે 20 ટકા ઇથેનોલ મિક્સ પેટ્રોલ અંગે જાણી જોઈને ખોટી વાતો અને ગેરમાર્ગે દોરતી અવાફાઓ ફેલાવવામાં આવી રહી છે. દેશમાં વિદેશી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા અને આયાત બિલ ઓછું કરવા માટે સરકારે અગાઉ જ E20 ફ્યુઅલ લોન્ચ કર્યું છે, જેમાં 80 ટકા પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલ હોય છે.
આ મીટિંગમાં મંત્રીએ આંકડાઓ રજૂ કરતા જણાવ્યું કે E20 પેટ્રોલના ઉપયોગથી સરકારને રૂપિયા 1,60,000 કરોડની બચત થઈ છે, જેમાંથી રૂપિયા 1,40,000 કરોડ સીધા આપણા દેશના ખેડૂતોના ખાતામાં ગયા છે. ખેડૂતો હવે માત્ર અન્નદાતા નથી રહ્યા પરંતુ 'ઉર્જાદાતા' પણ બન્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ગાડીઓ બંધ પડી જવાની અવાફાઓ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે E20 ફ્યુઅલ માત્ર તેને સપોર્ટ કરતી ગાડીઓ માટે જ છે, હા 2003 પહેલાં બનેલી જૂની ગાડીઓમાં ચોક્કસ થોડી સમસ્યા આવી શકે છે. એન્જિન ડેમેજ થવાની વાતોને નકારી કાઢતા તેમણે ઉમેર્યું કે રોજ 6 કરોડ વાહનો ફ્યુઅલ સ્ટેશને જાય છે, જો ખરેખર એન્જિન ખરાબ થતા હોત તો ગાડીઓ રસ્તા પર ફેલ થયેલી દેખાત, અને આ મામલે તો ઓટોમોબાઈલ કંપનીએ ખોટી અવાફા ફેલાવનાર સામે કેસ પણ કર્યો છે.
આ તરફ ભવિષ્યની રણનીતિ પર નજર કરીએ તો રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ 1989 માં જરૂરી બદલાવ કરીને ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને મંજૂરી આપી દીધી છે, જે E100 એટલે કે લગભગ શુદ્ધ ઇથેનોલ પર પણ ચાલી શકશે. ટોયોટા મોટર કોર્પોરેશન, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ મોટર કંપની જેવી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ પણ હવે ભારતીય માર્કેટ માટે આવી ફ્લેક્સ-ફ્યુઅલ ગાડીઓ વિકસાવી રહી છે. સરકારના આ પગલાંથી ભવિષ્યમાં અશ્મિભૂત ઇંધણની આયાત ઘટશે અને દેશ હરિયાળા ઉર્જા વિકલ્પો તરફ મજબૂતીથી આગળ વધશે.
