JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

નથી જોઈતું સેકન્ડ ક્લાસ સ્ટેટસ, વીટો પાવર વિનાની UNSC ની સ્થાયી સદસ્યતા સામે ભારતે ફગાવ્યો પ્રસ્તાવ

Oct 27, 2026 | 15:25 | By JAMNAGAR MIRROR
નથી જોઈતું સેકન્ડ ક્લાસ સ્ટેટસ, વીટો પાવર વિનાની UNSC ની સ્થાયી સદસ્યતા સામે ભારતે ફગાવ્યો પ્રસ્તાવ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાને લઈને ભારતે પોતાનું કડક વલણ દુનિયા સામે સ્પષ્ટ કરી દીધું છે. ભારતના રાજદૂતે વીટો પાવર વગરની સ્થાયી સદસ્યતાને સેકન્ડ ક્લાસ સ્ટેટસ ગણાવતા સાફ કહી દીધું છે કે ભારત ક્યારેય આવા પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSC માં સુધારાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભારતે ફરી એકવાર પોતાની બુલંદ અને સ્પષ્ટ નીતિ દુનિયા સમક્ષ મૂકી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતર-સરકારી વાટાઘાટો દરમિયાન ભારતે વીટો પાવર વિનાની સ્થાયી સદસ્યતા મેળવવાનો પ્રસ્તાવ સીધો જ ઘસીને પાડી દીધો છે. UNSC માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વથનેનીએ સોમવારે યોજાયેલી બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી વીટોની જોગવાઈ અસ્તિત્વમાં છે, ત્યાં સુધી સુરક્ષા પરિષદના તમામ કાયમી સભ્યો પાસે સમાન અધિકારો અને જવાબદારીઓ હોવી જ જોઈએ.

રાજદૂત પર્વથનેનીએ બેઠકમાં જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદના સુધારાના ભાગરૂપે જો વીટો સત્તા વિનાના લાંબા ગાળાના સભ્યોની કોઈ નવી શ્રેણી ઊભી કરવામાં આવે, તો તે વાસ્તવમાં બીજા દરજ્જાના એટલે કે સેકન્ડ ક્લાસ સભ્યો બની જશે. તેમણે ચેતવણી આપી હતી કે આ પ્રકારની નવી વ્યવસ્થાથી અસમાનતા વધુ ઊંડી બનશે જેને આપણે દૂર કરવા માંગીએ છીએ. ઈતિહાસ ટાંકતા તેમણે યાદ અપાવ્યું કે 1965માં જ્યારે સુરક્ષા પરિષદનો વિસ્તાર થયો ત્યારે અસ્થાયી સભ્યોની સંખ્યા 6 થી વધારીને 10 કરવામાં આવી હતી, જ્યારે કાયમી સભ્યોની સંખ્યા 5 જ રહી હતી, જેનાથી P5 એટલે કે પાંચ કાયમી સભ્યોની સ્થિતિ વધુ મજબૂત બની ગઈ હતી.

વર્તમાન 21મી સદીની ભૌગોલિક-રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવામાં 1945માં સ્થપાયેલી આ સંસ્થા નિષ્ફળ રહી હોવાનું જણાવીને ભારતે વ્યાપક સુધારાઓની માંગ દોહરાવી છે. ભારતનું સ્પષ્ટ માનવું છે કે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક મેળવવા માટે તે સંપૂર્ણ હકદાર છે અને માત્ર બિન-કાયમી સભ્યોની સંખ્યા વધારવાના પ્રયાસોથી આ પ્રક્રિયા અધૂરી જ ગણાશે. ઉલ્લેખનીય છે કે ભારત આગામી 2028-29ના કાર્યકાળ માટે બિન-કાયમી બેઠક મેળવવાના પ્રયાસોમાં પણ સક્રિય છે, જેના માટે આવતા વર્ષે જૂન મહિનામાં ચૂંટણી યોજાવાની છે.

LATEST ARTICLES