દરિયામાં મુસાફરી કરતી વખતે કે અકસ્માત સર્જાતા પાણીમાં ફસાઈ જતા લોકોને તાત્કાલિક બચાવવા માટે હવે ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. આ દિશામાં મોટું પગલું ભરતા ઈન્ડિયન નેવલ એકેડમીની એક ટીમે ખાસ ટુ-ડ્રોન સિસ્ટમ વિકસાવી છે. દરિયાઈ સુરક્ષા અને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનને વધુ ઝડપી બનાવવા માટે તૈયાર કરાયેલી આ સિસ્ટમમાં બે અલગ-અલગ ડ્રોન એકબીજાના સંકલનથી કામ કરે છે. દરિયામાં મુશ્કેલીમાં મુકાયેલા લોકોને શોધીને તેમને ત્વરિત લાઈફબુઆ પહોંચાડવા માટે આ ડ્રોન ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલા જ ડૂબતી વ્યક્તિનો જીવ બચાવવાની તકો વધી જશે.
આ સમગ્ર સિસ્ટમમાં બે મુખ્ય ડ્રોન એટલે કે ક્વાડકોપ્ટર અને હેક્સાકોપ્ટરનો ઉપયોગ થાય છે. ક્વાડકોપ્ટર ડ્રોન 2K ઓપ્ટિકલ અને થર્મલ કેમેરાની મદદથી દરિયાની સપાટી પર નજર રાખે છે, જેમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત YOLO મોડેલ લાઈવ વીડિયોનું વિશ્લેષણ કરીને પાણીમાં ફસાયેલી વ્યક્તિને તરત ઓળખી કાઢે છે. જેવું આ ડ્રોન કોઈ વ્યક્તિને શોધી કાઢે કે તરત જ બીજું હેક્સાકોપ્ટર ડ્રોન જીપીએસ નેવિગેશન દ્વારા લાઈફબુઆ લઈને તે ચોક્કસ લોકેશન પર પહોંચી જાય છે. આ બંને ડ્રોન લોંગ-રેંજ રેડિયો ફ્રિકવન્સી લિંક દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે. ખાસ વાત એ છે કે ડ્રોન દ્વારા લાઈફબુઆ છોડવાનો આખરી નિર્ણય ઓપરેટરના હાથમાં જ રહે છે, જેથી કોઈ મોટી ભૂલ ન થાય.
આ બંને ડ્રોનની ક્ષમતાની વાત કરીએ તો, સર્ચ ઓપરેશન માટે વપરાતા ક્વાડકોપ્ટરનો ફ્લાઇટ ટાઈમ 45 મિનિટનો છે, તેની પેલોડ ક્ષમતા 0.5 કિલોગ્રામ અને મહત્તમ સ્પીડ 50 km/h છે. જ્યારે લાઈફબુઆ વહન કરતા હેક્સાકોપ્ટરનો ફ્લાઇટ ટાઈમ 25 મિનિટનો છે, તેની પેલોડ ક્ષમતા 2.5 કિલોગ્રામ અને મહત્તમ સ્પીડ 40 km/h છે. આ બંને ડ્રોનની ઓપરેટિંગ રેડિયસ 10 km જેટલી છે. મિડશિપમેન સુધાંશુ તંવાર અને તેમની ટીમના આ અનોખા પ્રયાસથી ભવિષ્યમાં દરિયાઈ સુરક્ષા દળોને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં ખૂબ જ મોટી રાહત મળશે અને અનેક કિંમતી જીવ બચી શકશે.
