મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં લખનૌ સ્થિત સરકારી આવાસ પર મળેલી ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠકમાં જનહિત અને વિકાસના કુલ 22 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને હેલ્થ સેક્ટરને વધુ મજબૂત બનાવતા નિર્ણયો લેવાયા છે. સરકારના આ પગલાંથી યુપીમાં વિકાસની ગતિ વધુ વેગવંતી બનશે અને આમ જનતાની સાથે કર્મચારીઓને પણ મોટો ફાયદો થશે.
આ બેઠકમાં સૌથી મોટો નિર્ણય રોડ કનેક્ટિવિટી સુધારવાનો છે, જેના ભાગરૂપે રાજ્યમાં 4 નવા લિંક એક્સપ્રેસવે બનાવવાની મંજૂરી અપાઈ છે. જેમાં ફર्रुખાબાદ લિંક એક્સપ્રેસવે, આગ્રા-લખનૌ એક્સપ્રેસવેને પૂર્વાંચલ એક્સપ્રેસવે સાથે જોડતો લિંક એક્સપ્રેસવે, ઝાંસી લિંક એક્સપ્રેસવે અને જેવર લિંક એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમ પર લગામ કસવા માટે IIT કાનપુરના C3iHub સાથે મળીને એક અત્યાધુનિક સાયબર સેફ્ટી ઓપરેશન્સ સેન્ટર સ્થાપવાનો નિર્ણય પણ લેવાયો છે. એટલું જ નહીં, રાજ્યના સેકેન્ડરી અને સંસ્કૃત સ્કૂલો તેમજ બેઝિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અંદાજે 1.70 લાખ નોન-ટીચિંગ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટની સુવિધા પણ મંજૂર કરવામાં આવી છે.
આ બેઠકમાં મેઈનપુરીમાં સૈનિક સ્કૂલ માટે 9.524 હેક્ટર જમીન ફ્રીમાં ટ્રાન્સફર કરવા ઉપરાંત ઝાંસી અને લલિતપુરમા વેરહાઉસ બનાવવા માટે પણ ફ્રી જમીન આપવાનો પ્રસ્તાવ પાસ થયો છે. સાથે જ લખનૌ અને હરદોઈમાં 1000 એકરમાં બનનાર PM MITRA મેગા ટેક્સટાઇલ પાર્ક માટે માસ્ટર ડેવલપરની પસંદગી, પ્રયાગરાજમાં હાઈકોર્ટના અધિકારીઓ માટે 845 રેસિડેન્શિયલ યુનિટ્સનું નિર્માણ, PRAGATI રોબોટિક્સ પાર્ક અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા જેવા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે, જેનાથી આગામી સમયમાં યુપીમાં રોજગારી અને વિકાસની નવી તકો ઊભી થશે.
