JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી બનાસકાંઠા પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ

Oct 27, 2026 | 15:20 | By JAMNAGAR MIRROR
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી બનાસકાંઠા પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ મહત્ત્વપૂર્ણ મુલાકાતની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીસાના ભીલડી ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમને આખરી ઓપ આપવા અને વ્યવસ્થાઓનું જાત-નિરીક્ષણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભીલડી પહોંચ્યા હતા. તેમણે હેલિપેડ, સભા મંડપ અને સુરક્ષા વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા પોલીસ વડા અને બનાસ ડેરીના ચેરમેન-મેનેજમેન્ટ સાથે બેઠક યોજીને સમગ્ર કાર્યક્રમનું માઇક્રો-પ્લાનિંગ ચકાસ્યું હતું.

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બનાસ ડેરી દ્વારા અંદાજે રૂપિયા 325 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ અદ્યતન કેન્દ્ર કાંકરેજ, ગીર જેવી દેશી ગાયો અને મહેસાણી, બન્ની જેવી ભેંસોની આનુવંશિક ગુણવત્તા તથા ઓલાદ સુધારવા માટે અત્યાધુનિક બ્રીડિંગ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને પશુધનની ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્યથી બનેલું આ પ્રોજેક્ટ પશુપાલન ક્ષેત્રે એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

ઉત્તમ ગુણવત્તાના પશુઓ તૈયાર થવાથી પશુપાલકોના પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં ધરખમ વધારો થશે, જે રાજ્યની શ્વેતક્રાંતિને એક નવી ઊંચાઈ પર લઈ જશે. પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર થયેલું આ કેન્દ્ર માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ઉત્કૃષ્ટ રોલ મોડલ બનશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસન અને બનાસ ડેરીના સંયુક્ત પ્રયાસોથી આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

LATEST ARTICLES