રાજકોટમાં ફૂડ સ્ટ્રીટ અને ચાઇનીઝ ફૂડની રેકડીઓ પર સ્વાદ માણવા જતા ખાણીપીણીના શોખીનો માટે એક અત્યંત ચોંકાવનારી અને લાલબત્તી સમાન હકીકત સામે આવી છે. મનપાની ફૂડ શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે માધાપર ચોકડી પાસે આવેલા યોગી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ‘ભારતી ફૂડ્સ એન્ડ બેવરેજીસ’ નામની પેઢી પર સરપ્રાઇઝ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ત્યાંથી આશરે 800 કિલોથી પણ વધુ વાસી, પડતર અને ઢોર પણ ન સુંઘે તેવી અત્યંત હલકી ગુણવત્તાનો લુઝ હક્કા નુડલ્સનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જે તમામ જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણી અને ડેઝીગ્નેટેડ ઓફિસર હાર્દિક મહેતાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીમાં ખુલાસો થયો છે કે હલકી ગુણવત્તાના નુડલ્સનો સડેલો ભાગ છુપાવવા માટે તેને ધોઈને તડકામાં સૂકવવામાં આવતા હતા અને બાદમાં પેકિંગ કરીને શહેરની વિવિધ રેકડીઓમાં સપ્લાય કરાતા હતા. આ કેસમાં પેઢી પાસેથી રૂપેયા 10000નો દંડ વસૂલ કરી નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, કાલાવડ રોડ પર આવેલા ધી ફેમસ કાફેમાંથી 31 કિલો અખાદ્ય જથ્થો અને ગંદકી ઝડપાઈ હતી, પરાબજારમાં મા વૈષ્ણવી કેળા વેફરમાં દાઝેલા તેલનો વપરાશ પકડાતા દંડ ફટકારાયો હતો, તેમજ સાંગણવા ચોક, કિસાનપરા ચોક અને માધાપર ચોકડી પાસેથી ફ્રાયડે નાસ્તા, પનીર અને પેક્ડ ડ્રિંકિંગ વોટરના નમૂના લેવાયા હતા.
મનપાની આ સઘન કાર્યવાહીથી અખાદ્ય અને હલકું ખાવાનું વેચતા ધંધાર્થીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે બહારનું ખુલ્લું કે ચાઇનીઝ ફૂડ ખાતી વખતે ખાસ સાવચેતી રાખવી કારણ કે સ્વાદના ચટાકામાં સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. લેબોરેટરીના ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ આ તમામ સંબંધિત પેઢીઓ સામે વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
