JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

દિવાળી અને છઠ પૂજા માટે રેલવેની મોટી ભેટ, દોડશે 6200થી વધુ સ્પેશિયલ ટ્રેનો

Oct 27, 2026 | 14:50 | By JAMNAGAR MIRROR
દિવાળી અને છઠ પૂજા માટે રેલવેની મોટી ભેટ, દોડશે 6200થી વધુ સ્પેશિયલ ટ્રેનો
ઉત્તર રેલવે દ્વારા તહેવારોની સિઝનમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને 6200થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ ટ્રિપ્સની સંખ્યામાં આશરે 30 ટકાનો વધારો થયો છે, જેનાથી ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે.

દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં વતન જતાં લાખો મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તર રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને 6200થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ દોડાવવાનું આયોજન કરાયું છે. ગત વર્ષે તહેવારો દરમિયાન 4666 ટ્રિપ્સ ચલાવવામાં આવી હતી, જેની સામે આ વખતે ટ્રિપ્સની સંખ્યામાં આશરે 30 ટકાનો મોટો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય શહેરોમાંથી ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જવા માટે રેગ્યુલર ટ્રેનોમાં ભારે પડાપડી થતી હોય છે અને કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બને છે, ત્યારે આ વધારાની સેવાઓ મુસાફરોની મુશ્કેલી હળવી કરશે.

આ વિશે માહિતી આપતા ઉત્તર રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મુસાફરો વતનમાં પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે મુશ્કેલી વગર પહોંચી શકે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા અત્યાર સુધીમાં આશરે 3600 સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સની જાહેરાત કરવામાં આવી ચૂકી છે અને કુલ આયોજન 6200ને વટાવી જશે. આ ઉપરાંત, રેલવે ઝોન દ્વારા આ વર્ષે 42 નવી ટ્રેનોને પણ રેગ્યુલરાઈઝ કરવામાં આવી છે, જે તહેવારોની સિઝનમાં આશરે 2600 ટ્રિપ્સ પૂરી પાડશે. મુસાફરોની ભારે માંગને જોતા દિલ્હી-પટના વંદે ભારત, શકુરબસ્તી-દરભંગા, માતા વૈષ્ણોદેવી-વારાણસી, ચંડીગઢ-પટના, ન્યૂ દિલ્હી-હાવડા અને અમૃતસર-બરૌની જેવા વ્યસ્ત રૂટ્સ પર આ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

મુસાફરોની ભારે ભીડને મેનેજ કરવા માટે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે અને મુસાફરોની સુવિધા માટે વધારાના ટિકિટ કાઉન્ટર્સ ખોલવામાં આવ્યા છે તેમજ સ્ટાફની પણ ફાળવણી કરાઈ છે. તહેવારો દરમિયાન રેગ્યુલર ટ્રેનોમાં લાંબી વેઈટિંગ લિસ્ટની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે આ સ્પેશિયલ ટ્રેનો અને નવી ટ્રેનોના વિકલ્પોથી મુસાફરોને સમયસર કન્ફર્મ સીટ મેળવવામાં ઘણી રાહત મળશે. જોકે, તહેવારના દિવસો નજીક આવતાં જ આ સ્પેશિયલ ટ્રેનોની ટિકિટો પણ ઝડપથી બુક થઈ રહી છે, તેથી મુસાફરોએ વહેલી તકે પોતાના પ્રવાસનું આયોજન કરી લેવું હિતાવહ રહેશે.

LATEST ARTICLES