JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પીએમ મોદી અને લિક્ટેન્સ્ટાઈનના પ્રિન્સ અલોઈસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા બેઠક યોજાઈ

Oct 27, 2026 | 14:40 | By JAMNAGAR MIRROR
પીએમ મોદી અને લિક્ટેન્સ્ટાઈનના પ્રિન્સ અલોઈસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા બેઠક યોજાઈ
ભારત અને લિક્ટેન્સ્ટાઈન વચ્ચે વેપાર, ટેકનોલોજી અને રોકાણને વેગ આપવા માટે મહત્વની ચર્ચા થઈ છે. પ્રિન્સ અલોઈસના આ પ્રવાસથી ઈન્ડિયા-ઈએફટીએ ટ્રેડ પેક્ટ હેઠળ આગામી 15 વર્ષમાં 100 અબજ ડૉલરના રોકાણનો રસ્તો વધુ મજબૂત બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીની હૈદરાબાદ હાઉસ ખાતે લિક્ટેન્સ્ટાઈનના પ્રિન્સ અલોઈસનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં મહત્વની વાતચીત કરી હતી. લિક્ટેન્સ્ટાઈનના પ્રિન્સ અલોઈસ અને પ્રિન્સેસ સોફી 25થી 28 ઓક્ટોબર સુધી ભારતના સત્તાવાર પ્રવાસે આવ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને લિક્ટેન્સ્ટાઈન વચ્ચે વેપાર, રોકાણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. દિલ્હી આગમન પર રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રિન્સ અલોઈસે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ પ્રિન્સ અલોઈસ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. નોંધનીય છે કે પ્રિન્સ અલોઈસની આ વર્ષે ભારતની આ બીજી મુલાકાત છે, અગાઉ તેઓ ફેબ્રુઆરીમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં હાજરી આપવા આવ્યા હતા અને તે પહેલાં 2010 તથા 2018માં પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઈએફટીએ) વચ્ચે માર્ચ 2024માં લાંબી વાતચીત બાદ ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (ટીઇપીએ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ગત વર્ષના ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે.

આ મેગા ટ્રેડ પેક્ટ અંતર્ગત ઈએફટીએના 4 સભ્ય દેશો જેમાં આઈસલેન્ડ, લિક્ટેન્સ્ટાઈન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ સામેલ છે, તેઓ આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડૉલરનું મોટું રોકાણ કરવા માટે કટિબદ્ધ છે. આ કરારના કારણે બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સહયોગમાં નવો વેગ જોવા મળી રહ્યો છે. આ ઉચ્ચસ્તરીય બેઠકો અને મુલાકાતોથી ભારત અને લિક્ટેન્સ્ટાઈન વચ્ચેના સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે અને બંને દેશોના નાગરિકો માટે નવા અવસરો ખુલ્લા થશે તેવી પૂરી આશા છે.

LATEST ARTICLES