બિલ ગેટ્સે દુનિયાને ચેતવણી આપી છે કે આગામી 20 વર્ષ માનવ ઇતિહાસના સૌથી ઉથલપાથલ ભરેલા સમયમાંથી એક બની શકે છે, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટ્સ નોકરીઓ અને ઇન્ડસ્ટ્રીઝનું પિક્ચર બદલી નાખશે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સના મતે AI અંતે તો દુનિયામાં સમૃદ્ધિ લાવી શકે છે, પરંતુ આ બદલાવનો સમયગાળો ઘણો અઘરો સાબિત થઈ શકે છે. આ દરમિયાન ઘણા લોકોને નોકરી ગુમાવવી પડી શકે છે, આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે અને કામદારો સામે અસ્તિત્વનો સવાલ ઊભો થઈ શકે છે. એક પોડકાસ્ટ દરમિયાન ગેટ્સે જણાવ્યું હતું કે સમાજ AI સાથે પૂરી રીતે અનુકૂળ થાય તે પહેલાંનો સમય ખૂબ જ તોફાની હોઈ શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે માઈક્રોસોફ્ટે તેના અંદાજે 60000 કર્મચારીઓને બાયઆઉટ ઓફર કર્યાના અહેવાલો છે, જેનાથી ટેક્નોલોજી સેક્ટરમાં નોકરીઓના ભવિષ્ય પર ચિંતા વધી ગઈ છે.
ગેટ્સના મતે AI ની અસર માત્ર ટેક્નોલોજી સેક્ટર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ટેલિફોન સેલ્સ, કસ્ટમર સપોર્ટ અને એકાઉન્ટિંગ જેવા ક્ષેત્રોમાં પણ માણસોનું કામ મશીનો સંભાળી લેશે. એટલું જ નહીં, ભવિષ્યમાં હ્યુમેનાઈડ રોબોટ્સ ઘર બનાવવા, ખેતી કરવા અને સર્જરી કરવા જેવા ફિઝિકલ લેબરના કામો પણ હાથમાં લઈ શકે છે. આગામી 2 દાયકામાં એવા વિજેતાઓ અને પરાજિતો જોવા મળશે કે જેઓ ઝડપથી બદલાતા ટેક્નોલોજી યુગમાં ટકી રહેશે કે સંઘર્ષ કરશે. માત્ર પૈસા કમાવવા સિવાય નોકરી માણસને જીવનનો ઉદ્દેશ્ય, સંબંધો અને માનસિક સંતોષ આપે છે, તેથી જ મશીનો દ્વારા આ બધું છીનવાઈ જવાથી લોકોની ઓળખ અને સામાજિક કનેક્શન પર પણ અસર પડી શકે છે.
આ ભયાનક બદલાવ સામે પહોંચી વળવા માટે ગેટ્સે ટૂંકા કામના કલાક, વહેલી નિવૃત્તિ અને AI નો ચૂંટેલો ઉપયોગ કરવા જેવા ઉપાયો સૂચવ્યા છે. ભવિષ્યમાં સરકારો અને એમ્પ્લોયરોએ એવા રસ્તા શોધવા પડશે જેથી ઉપલબ્ધ કામ વધુ લોકોમાં વહેંચી શકાય. આ ઉપરાંત, આર્ટ, સ્પોર્ટ્સ, રસોઈ અને ચાઇલ્ડકેર જેવા ક્ષેત્રોમાં માનવીય સ્પર્શ જાળવી રાખવો ખૂબ જરૂરી બનશે. કેટલાક સમુદાયો તો પરંપરા અને મૂલ્યો જાળવી રાખવા માટે અમીશ લોકોની જેમ AI નો ઉપયોગ મર્યાદિત પણ કરી શકે છે. ટૂંકમાં, આ ટેક્નોલોજી ક્રાંતિનો સામનો કરવા માટે બિઝનેસ, સરકાર અને સમાજે મળીને સમજી-વિચારીને નિર્ણયો લેવા પડશે.
