JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સિમેન્ટની 600 બોરી વેચીને ફરાર થયેલો ગુનેગાર 27 વર્ષે ઝડપાયો

Oct 27, 2026 | 13:35 | By JAMNAGAR MIRROR
સિમેન્ટની 600 બોરી વેચીને ફરાર થયેલો ગુનેગાર 27 વર્ષે ઝડપાયો
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 1999ના સિમેન્ટ ચોરીના ગુનામાં છેલ્લા 27 વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપી અબ્દુલ સત્તાર કુરેશીને મહારાષ્ટ્રના નાગપુરથી પકડી પાડવામાં આવ્યો છે. જૂના દસ્તાવેજો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ મોટી સફળતા મેળવી છે.

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનના ચોપડે વર્ષ 1999માં નોંધાયેલા સિમેન્ટ ચોરીના એક જૂના કેસમાં પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે. તે સમયે કોવાયા ખાતેથી અંદાજે 30 ટન એટલે કે સિમેન્ટની 600 બેગ બારોબાર વેચી નાખીને ટ્રક મૂકીને ફરાર થઈ ગયેલો આરોપી અબ્દુલ સત્તાર કુરેશી છેલ્લા 27 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. મૂળ ઉત્તર પ્રદેશનો આ આરોપી કાયદાની આંખોમાં ધૂળ નાખીને લાંબા સમયથી નાસતો ફરતો હતો, જેના કારણે આ કેસ વણઉકેલાયેલી શ્રેણીમાં પડ્યો હતો.

આ કેસને ઉકેલવા માટે રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે જૂના રેકોર્ડ અને તપાસના દસ્તાવેજોની ફેરતપાસ શરૂ કરી હતી. પોલીસે મતદાર યાદી અને અન્ય દસ્તાવેજોના આધારે તપાસ આગળ વધારી હતી અને આરોપીના મોબાઈલ નંબર તથા તેની હિલચાલ અંગે ટેકનિકલ વિશ્ર્લેષણ કર્યું હતું. આ ટેકનિકલ કડીના આધારે આરોપી મહારાષ્ટ્રના નાગપુરમાં છુપાયેલો હોવાનું સામે આવ્યું હતું, જ્યાંથી પોલીસે દરોડો પાડીને તેને દબોચી લીધો હતો. આ સમગ્ર સફળ ઓપરેશન ભાવનગર રેન્જના આઈજી આઈ.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન તેમજ રાજુલા વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાની આગેવાનીમાં પાર પાડવામાં આવ્યું હતું.

દાયકાઓ જૂના આ ગુનામાં આરોપીની ધરપકડ થવાથી પોલીસની સક્રિયતા ફરી એકવાર સાબિત થઈ છે. મૂળ ઉત્તર પ્રદેશના આ શખ્સની ધરપકડ બાદ હવે રાજુલા પોલીસ દ્વારા તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ અને આ લાંબા સમયગાળા દરમિયાન તે ક્યાં ક્યાં ફર્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જૂના અનડિટેક્ટેડ કેસોમાં પણ ટેકનોલોજી અને દસ્તાવેજી પુરાવાઓ કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

LATEST ARTICLES