ગાંધીનગર જિલ્લાના કલોલ પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ હવે કેટલો ખતરનાક બની ગયો છે તેનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. કલોલ નજીક આવેલા વ્યસ્ત બોરીસણા બ્રિજ પરથી એક સિલિન્ડર ભરેલી ટ્રક પૂરઝડપે પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક રસ્તાની વચ્ચે એક રખડતું ઢોર આવી ગયું હતું. ઢોરને બચાવવા જતા ટ્રકચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ ગફલતમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ટ્રક સીધી જ ત્યાંથી પસાર થતી અન્ય 2 કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને વાહનચાલકોની રૂંવાડા ઉભા થઈ જાય છે.
આ અકસ્માત એટલો જોરદાર હતો કે બોરીસણા બ્રિજ પર ક્ષણવાર માટે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. સિલિન્ડર ભરેલી ટ્રક અને બે કાર વચ્ચે થયેલી આ ટક્કરને કારણે ત્રણેય વાહનોને નુકસાન પહોંચ્યું હતું. બ્રિજ પરથી આવનજાવન કરતા અન્ય લોકો પણ ડરી ગયા હતા, પરંતુ રાહતની વાત એ રહી કે આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. જોકે, આ ઘટનાએ હાઇવે પર અકસ્માતે મોતના મુખમાં ધકેલાતા લોકોને બચાવવા માટે તંત્ર સામે મોટા સવાલો જરૂર ખડા કરી દીધા છે.
શહેરો હોય કે હાઇવે, રખડતા ઢોરનો પ્રશ્ન હવે સામાન્ય પ્રજા માટે આફત સમાન બની ગયો છે અને અવારનવાર આવી દુર્ઘટનાઓ સામે આવતી રહે છે. કલોલના બોરીસણા બ્રિજ પર બનેલી આ ઘટના બાદ સ્થાનિક વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર વહેલી તકે આ રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. જો સમયસર કડક પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં આનાથી પણ મોટી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે, જેની પૂરી જવાબદારી તંત્રની રહેશે.
