રાજ્યમાં ચાલી રહેલી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા હવે લગભગ અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે, પરંતુ કાનૂની વિવાદોના કારણે સેંકડો લાયક અને મેરિટધારી ઉમેદવારોની નિમણૂક અત્યારે અધ્ધરતાલ લટકી ગઈ છે. વર્તમાન ભરતી પ્રક્રિયામાં અનામત રાખવામાં આવેલી 774 જગ્યાઓને વહેલી તકે મુક્ત કરીને જિલ્લા ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે આજે રાજ્યભરમાંથી પાસ થયેલા વિદ્યાસહાયક ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. આ તમામ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે સચિવાલયની મુલાકાત લીધી હતી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળીને પોતાની વેદના ઠાલવતા વહેલી તકે નિમણૂક પત્ર આપવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.
આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ એ છે કે ભરતી પ્રક્રિયા દરમિયાન મેરિટમાં સ્થાન ન મેળવી શકનારા કેટલાક અસંતુષ્ટ ઉમેદવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં આ કેસ વિચારણા હેઠળ હોવાને કારણે કોઈપણ પ્રકારની કાનૂની મુશ્કેલી ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા 774 જેટલી જગ્યાઓ કામચલાઉ ધોરણે રિઝર્વ એટલે કે અનામત રાખી દેવામાં આવી હતી. જોકે, આ 774 જગ્યાઓ બાદ બાકી રહેલી અન્ય તમામ સામાન્ય જગ્યાઓ પર તો પાસ થયેલા ઉમેદવારોની જિલ્લા પસંદગી અને ફાળવણી સહિતની વહીવટી પ્રક્રિયા અગાઉ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ આ અનામત બેઠકોના ઉમેદવારો રાહ જોઈને બેઠા છે.
ખાસ વાત એ છે કે આ અનામત રાખવામાં આવેલી 774 જગ્યાઓ સામે મેરિટમાં આવતા તમામ લાયક ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પણ શિક્ષણ વિભાગ દ્વારા પહેલેથી જ પૂરું કરી લેવામાં આવ્યું છે. છતાં પણ નિમણૂક ઓર્ડર ન મળતા ઉમેદવારોમાં ભારે રોષ અને માનસિક તણાવ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનો સ્પષ્ટ આરોપ છે કે સરકાર દ્વારા હાઈકોર્ટમાં સમયસર એફિડેવિટ એટલે કે સત્તાવાર જવાબ રજૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના લીધે આટલી મોટી ભરતી પ્રક્રિયા અટકી છે. હવે ઉમેદવારોની માંગ છે કે સરકાર અદાલતમાં પોતાનો મજબૂત પક્ષ રજૂ કરીને આ 774 બેઠકો પરથી સ્ટે કે રિઝર્વેશન હટાવે અને તુરંત જ જિલ્લા પસંદગી માટેનો સ્પેશિયલ કેમ્પનું આયોજન કરીને તેમને ન્યાય આપે.
