JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ક્રિકેટ જગતમાં મોટો પ્રયોગ, ન્યુઝીલેન્ડે અપનાવ્યો સિંગલ બોલ નિયમ

Oct 27, 2026 | 14:25 | By JAMNAGAR MIRROR
ક્રિકેટ જગતમાં મોટો પ્રયોગ, ન્યુઝીલેન્ડે અપનાવ્યો સિંગલ બોલ નિયમ
ન્યુઝીલેન્ડ ક્રિકેટે પોતાની ઘરેલું વનડે ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીમાં સિંગલ બોલ નિયમનું ટ્રાયલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ મુજબ આખી ઈનિગ્સમાં માત્ર એક જ બોલનો ઉપયોગ થશે અને 35 ઓવર પછી નવો બોલ આપવામાં નહીં આવે, જેનાથી બોલરોને રિવર્સ સ્વિંગનો ફાયદો મળશે અને 2027ના વર્લ્ડકપની તૈયારીઓમાં મદદ મળશે.

ક્રિકેટના 50 ઓવરના ફોર્મેટમાં રોમાંચ વધારવા માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા એક મોટો અને રસપ્રદ પ્રયોગ કરવા જઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડ પોતાની પ્રખ્યાત ઘરેલું વનડે ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીમાં સિંગલ બોલ નિયમનું સફળ ટ્રાયલ કરવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 28 ઓક્ટોમ્બરથી થવા જઈ રહી છે, જે આગામી સમયમાં કિવી ટીમ માટે વર્લ્ડકપની તૈયારીઓ સંદર્ભે ખૂબ જ મહત્વની સાબિત થશે. હાલના આધુનિક વનડે ક્રિકેટમાં ઈનિગ્સ દરમિયાન નિયમો મુજબ ચોક્કસ ઓવર બાદ નવો બોલ આપવાની જે પ્રથા ચાલે છે, તેનાથી સાવ અલગ આ નિયમ અંતર્ગત આખી ઈનિગ્સમાં માત્ર એક જ બોલનો ઉપયોગ કરવામાં આવશે.

આ સિંગલ બોલ નિયમની ખાસિયત એ છે કે ટીમની બેટિંગ દરમિયાન 35 ઓવર પૂરી થયા પછી પણ કોઈપણ પ્રકારનો બીજો નવો બોલ આપવામાં આવશે નહીં. આ નવા પ્રયોગથી મેદાન પર બોલરોને ઈનિગ્સની છેલ્લી ઓવરોમાં રિવર્સ સ્વિંગ મેળવવાની શાનદાર તકો મળી રહેશે, જેના કારણે બેટ્સમેનો માટે જૂના બોલથી સ્કોરબોર્ડ ચાલુ રાખવું કે રન બનાવવા ખૂબ જ મુશ્કેલ બની જશે. આ ખાસ રણનીતિના કારણે ઓક્ટોબર અને નવેમ્બર 2027 દરમિયાન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાનાર ODI વર્લ્ડ કપમાં કિવી પેસર્સને મોટો ફાયદો મળી શકે છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ નવેમ્બરમાં ટૂર્નામેન્ટના પહેલા 5 રાઉન્ડ પૂરા થયા બાદ આ સમગ્ર ટ્રાયલનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ ફેબ્રુઆરી 2027ના છેલ્લા 5 રાઉન્ડ તેમજ ફાઈનલ મેચમાં આ નિયમ યથાવત રાખવો કે નહીં તેનો આખરી નિર્ણય લેશે.

આ નવા નિયમને લઈને ખેલાડીઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં ન્યુઝીલેન્ડના અનુભવી બેટ્સમેન વિલ યંગના મતે આ નિયમ લાગુ થવાથી ઈનિગ્સની ડેથ ઓવરોમાં રન બનાવવા અઘરા બનશે અને બેટ્સમેનોએ પોતાની રમવાની સ્ટાઈલમાં મોટો બદલાવ કરવો પડશે. જોકે, તેમણે આ નિયમનું સમર્થન કરતા કહ્યું છે કે આનાથી રમતમાં એક અલગ જ રોમાંચ અને ગતિશીલતા આવશે તેમજ પાવરપ્લેના અપ્રોચમાં પણ મોટો ફેરફાર જોવા મળશે. ક્રિકેટ રસિકો માટે આ પ્રયોગ રમતની સુંદરતામાં કેટલો વધારો કરે છે અને બેટ્સમેન-બોલર વચ્ચેના જંગને કેટલો રોમાંચક બનાવે છે તે આવનારો સમય જ નક્કી કરશે.

LATEST ARTICLES