પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટીક સિંહો માટે સુરક્ષિત નેચરલ હેબિટેટ તરીકે વિકસાવવાની દિશામાં રાજ્ય સરકારે એક મોટું પગલું ભર્યું છે. અભયારણ્ય વિસ્તારમાં પેઢીઓથી રહેતા સ્થાનિક માલધારી પરિવારો હવે સ્વેચ્છાએ બહાર વસવાટ કરવા તૈયાર થાય તે માટે સરકારે એક વ્યાપક પુનર્વસન નીતિનો સત્તાવાર ઠરાવ બહાર પાડ્યો છે. આ નિર્ણયથી જંગલ વિસ્તારમાં માનવીય દખલ ઘટશે અને વન્યજીવોના કુદરતી કોરિડોર વધુ સુરક્ષિત બનશે, સાથે જ માલધારીઓને પણ આધુનિક સુવિધાઓ સાથે જીવવાની તક મળશે.
આ નવી પુનર્વસન નીતિ હેઠળ જંગલ છોડવા માટે સહમત થનાર દરેક પાત્ર માલધારી પરિવારને એકમ રકમ તરીકે રૂપિયા 15 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. આ સાથે જ પરિવારને રહેઠાણ માટે 100 ચોરસ વારનો પ્લોટ બિલકુલ મફત ફાળવવામાં આવશે અને પશુપાલન સાથે જોડાયેલા આ પરિવારોને પોતાના માલઢોર સાચવવા માટે વધારાનો 100 ચોરસ વારનો પ્લોટ આપવાની પણ ખાસ જોગવાઈ કરાઈ છે. આ તમામ માલધારીઓનું પુનર્વસન અભયારણ્ય અને તેના ઇકો-સેન્સિટિવ ઝોનની હદની બહાર જ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ પર્યાવરણીય કે કાનૂની અડચણ ન નડે.
બરડાને ગીર પછી સિંહોના બીજા ઘર તરીકે વિકાવામાં આવી રહ્યું હોવાથી માનવ વસવાટ બહાર ખસવાથી માનવ-વન્યજીવ સંઘર્ષની સમસ્યા હંમેશા માટે ટળી જશે. અત્યાર સુધી જંગલના દુર્ગમ નેસડાઓમાં રહેતા આ પરિવારોને વીજળી, પાકા રસ્તા, હોસ્પિટલ અને સારી સ્કૂલો જેવી પાયાની સુવિધાઓ મળતી નહોતી, પરંતુ રેવન્યુ વિસ્તારમાં વસવાટ મળવાથી તેમની નવી પેઢીને આધુનિક જીવનધોરણ મળશે. ઉપરાંત, સ્થળાંતર કરનાર આ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના, પશુપાલન સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભ આપવામાં પહેલી અગ્રતા અપાશે.
