JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમદાવાદના પોશ આનંદનગર વિસ્તારમાં તસ્કરોનો આંતક, ફ્લેટનું તાળું તોડી 8.50 લાખ રોકડ અને દાગીના ચોરાયા

Oct 27, 2026 | 13:15 | By JAMNAGAR MIRROR
અમદાવાદના પોશ આનંદનગર વિસ્તારમાં તસ્કરોનો આંતક, ફ્લેટનું તાળું તોડી 8.50 લાખ રોકડ અને દાગીના ચોરાયા
અમદાવાદના સુરક્ષિત ગણાતા આનંદનગર વિસ્તારમાં બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરો લાખોની મત્તા ચોરીને ફરાર થઈ ગયા છે. પરિવાર વતન ગયો હતો ત્યારે તસ્કરોએ 8.50 લાખની રોકડ અને 2.50 લાખના દાગીના સહિત કુલ 11 લાખની ચોરી કરી હતી. પોલીસે આ માેમલે ગુનો નોંધીને આસપાસના CCTV ફૂટેજ આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં હવે સુરક્ષિત ગણાતા પોશ વિસ્તારોમાં પણ તસ્કરો બેફામ બન્યા છે અને ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો શહેરના આનંદનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં એક બંધ ફ્લેટને નિશાન બનાવીને તસ્કરો લાખો રૂપિયાની માલમત્તા ચોરી પલાયન થઈ ગયા છે. તસ્કરોએ મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલો કીમતી સામાન પણ સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખ્યો હતો.

આ ઘટનાની વિગત મુજબ, ફ્લેટના માલિક અને ફરિયાદી ઘનશ્યામભાઈ દાયમા પોતાના પરિવાર સાથે કોઈ કામસર વતન કે ગામડે ગયા હતા. પરિવાર ઘર બંધ કરીને બહાર ગયો હોવાનો પૂરેપૂરો લાભ ઉઠાવીને તસ્કરોએ આ મોટો હાથફેરો કર્યો હતો. જ્યારે પરિવારજનો પરત પોતાના ઘરે આવ્યા ત્યારે તેમને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઘરમાંથી 8.50 લાખની રોકડ રકમ તેમજ અંદાજે 2.50 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મળીને કુલ અંદાજે 11 લાખથી વધુની કિંમતની મત્તા ચોરાઈ છે.

ઘટનાની જાણ થતા જ આનંદનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફ્લેટની આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી મહત્ત્વના પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. મકાનમાલિક ઘનશ્યામ દાયમાની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી લીધો છે અને હાલ તો આરામથી ફરાર થઈ ગયેલા તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

LATEST ARTICLES