JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વડોદરામાં દિવાળી પહેલા 1.24 કરોડનો દારૂ ઝડપાયો, 4 આરોપીઓની ધરપકડ

Oct 27, 2026 | 14:05 | By JAMNAGAR MIRROR
વડોદરામાં દિવાળી પહેલા 1.24 કરોડનો દારૂ ઝડપાયો, 4 આરોપીઓની ધરપકડ
દિવાળીના તહેવારો ટાણે જ વડોદરા જિલ્લા પોલીસે બુટલેગરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. LCBએ કોટંબી પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડીને વિદેશી દારૂની 1490 પેટીઓ જપ્ત કરી છે અને કુખ્યાત ગેંગના 4 આરોપીઓને ઝડપી લીધા છે.

દિવાળી અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પોલીસે બુટલેગરોના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. જિલ્લા એલસીબીની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે કોટંબી પાસે આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા સાઇનાથ એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી દારૂના ધંધાર્થીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે કારણ કે તહેવારોની મોસમમાં બુટલેગરો દ્વારા જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂની રેલમછેલ કરવાની પૂરી તૈયારી કરવામાં આવી હતી.

પોલીસની આ મોટી રેડ દરમિયાન ગોડાઉનમાંથી અંદાજે 1.24 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં કુલ 1490 પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઇ ગેંગના 4 આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણા અને મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યો હતો અને તે વડોદરા જિલ્લામાં સપ્લાય થવાનો હતો, પરંતુ દારૂનું કટિંગ થાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રાટકીને તમામ પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.

આ મામલે હરિયાણાનો સુમિત, જોધપુરનો સુનીલ અને મહારાષ્ટ્રનો પ્રધાનજી જેવા મુખ્ય નામ પણ સામે આવ્યા છે જે હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ હવે આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા આ હેરાફેરીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે, જેથી દારૂના આ ગેરકાયદેસર કારોબારનો સંપૂર્ણ સફાયો થઈ શકે.

LATEST ARTICLES