ઓક્લાહોમામાં પ્રોપર્ટી હડપ કરવાના એક ચોંકાવનારા કિસ્સામાં 29 વર્ષના એન્ટોનિયો મૂર નામના શખ્સે 54 લાખ ડૉલર એટલે કે અંદાજે 14000 સ્ક્વેર ફીટના એક વિશાળ મેન્શન પર ગેરકાયદેસર રીતે માલિકી દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગેટેડ ગેલાર્ડિયા નેબરહુડમાં આવેલા આ લક્ઝુરિયસ ઘરને પોતાના મૃતસંબંધીઓ પાસેથી વારસામાં મળ્યું હોવાનું જણાવીને આ શખ્સે કાઉન્ટી ક્લર્કની ઓફિસમાં વારંવાર નકલી કાગળો જમા કરાવ્યા હતા. જોકે, ક્લર્કની સજાગતાને કારણે આ દસ્તાવેજો સ્વીકારવામાં આવ્યા નહોતા. આ મામલો ત્યારે વણસ્યો જ્યારે અસલી માલિકને ઘરમાં વીજળીનું બિલ એન્ટોનિયોના નામે ટ્રાન્સફર થયાની ખબર પડી અને બેંક દ્વારા આ પ્રોપર્ટી પર લોન લેવાનો પ્રયાસ થતો હોવાની જાણ થઈ હતી.
ઘટનાની વિગતો મુજબ એપ્રિલ મહિનામાં જ એન્ટોનિયોએ આ ગેટ્ડ કોમ્યુનિટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને સિક્યોરિટીએ તેને અટકાવ્યો હતો. ત્યારબાદ ઓક્લાહોમા કાઉન્ટી શેરીફ ઓફિસના જણાવ્યા અનુસાર 11 સપ્ટેમ્બરના રોજ ક્લર્ક ઓફિસમાં નકલી કાગળો રજૂ કરવાના પ્રયાસો થયા હતા. સાચા માલિકે પણ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે એન્ટોનિયોનો મુખ્ય હેતુ આ મેન્શનને ગીરવે મૂકીને બેંકમાંથી મોટી રકમની લોન લેવાનો હતો. પોલીસે 30 સપ્ટેમ્બરના રોજ એન્ટોનિયોની ધરપકડ કરી હતી અને તેના પર ફર્સ્ટ-ડિગ્રી ફોર્જરી તેમજ છેતરપિંડીથી પ્રોપર્ટી મેળવવાના પ્રયાસ સહિત 2 ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
આ કેસમાં કોર્ટ દ્વારા એન્ટોનિયોના જામીન માટે 25000 ડૉલર રકમ નક્કી કરવામાં આવી છે અને આગામી સુનાવણી નિર્ધારિત કરવામાં આવી છે. આ ઘટના પ્રોપર્ટી ટાઇટલ ફ્રોડના વધી રહેલા જોખમો તરફ ધ્યાન દોરે છે, જ્યાં ઠગ લોકો નકલી દસ્તાવેજોના આધારે લોન કે પ્રોપર્ટી હડપવાના પેંતરા રચતા હોય છે. ઓક્લાહોમા રિયલ એસ્ટેટ કમિશને પણ મિલકત માલિકોને એલર્ટ રહેવા અપીલ કરી છે અને કાઉન્ટી લેન્ડ રેકોર્ડ્સ પર નજર રાખવા જણાવ્યું છે. આવા કિસ્સાઓ સાબિત કરે છે કે માત્ર નકલી કાગળો બનાવીને કોઈ પ્રોપર્ટીના માલિક બની શકાતું નથી, પરંતુ જાગૃતતા અને પ્રોપર્ટી એલર્ટ સિસ્ટમની મદદથી મોટી ઠગાઈથી બચી શકાય છે.
