ચંદીગઢમાં પંજાબ વિધાનસભા પરિસરમાં મંગળવારે સત્તાધારી પાર્ટી AAP અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે માહોલ એકદમ ગરમાઈ ગયો હતો. વિધાનસભાની એન્ટ્રી પર કોંગ્રેસના ધારાસભ્યોને રોકવામાં આવતા મોટો વિવાદ થયો હતો. સુખપાલ સિંહ ખૈરા, પ્રતાપ સિંહ બાજવા અને પરગત સિંહ સહિતના કોંગ્રેસી નેતાઓને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. આ દરમિયાન મંત્રી બલબીર સિંહ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે AAP ધારાસભ્ય જસવીર સિંહ રાજા ગિલ અને વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું. મંત્રી ડૉ. બલબીર સિંહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ સરકારને બોલવા દેતા નથી અને રાજકીય અડચણો ઊભી કરી રહ્યા છે.
જેવો ક્વેશ્ચન અવર શરૂ થયો કે તરત જ CLP નેતા પ્રતાપ સિંહ બાજવાએ કોંગ્રેસી ધારાસભ્યોને રોકવાના મુદ્દે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સસ્પેન્ડ થયેલા ધારાસભ્યો સિવાય કોઈને પણ રોકી શકાય નહીં. જોકે, પ્રતાપ સિંહ બાજવાએ આક્ષેપ કર્યો હતો કે એન્ટ્રી રોકવા માટે આપવામાં આવેલી નોટિસ પર સ્પીકરની સહી જ નહોતી. બાજવાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું આ પંજાબની વિધાનસભા છે કે કાબુલ? શું અહીં તાલિબાનનું શાસન ચાલે છે કે ભારતનું બંધારણ લાગુ પડે છે? આ વિવાદ પહેલા કોંગ્રેસી ધારાસભ્યોએ સરકારની નિષ્ફળતાઓ સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે વિધાનસભાની બહાર AAP ના ચૂંટણી ચિહ્ન એવા સાવડા સળગાવ્યા હતા અને કાળા કપડા પહેરીને સૂત્રોચ્ારો કર્યા હતા.
અગાઉ શુક્રવારે કેબિનેટ મંત્રી હરપાલ સિંહ ચીમા દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ બાદ કોંગ્રેસ MLA સુખપાલ સિંહ ખૈરાને સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખૈરા પર સ્પીકર સામે અપશબ્દો વાપરવાનો અને કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાનો આરોપ હતો. એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર સિંહ જોટાની હત્યાના માืમલે મુખ્ય પ્રધાન ભગવંત માનના રાજીનામાની માગ સાથે કોંગ્રેસીઓએ હંગામો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ કોંગ્રેસી ધારાસભ્યોએ પંજાબ વિધાનસભા સત્રના આખરી દિવસનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો.
