શાપર વેરાવળ પોલીસ મથકમાં જ ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલની કરતૂતે ખાખી વર્દીને શરમમાં મૂકી દીધી છે. પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરતા જમાદાર સામે એક ત્યકતા મહિલાએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પીડિતાની આ ફરિયાદના આધારે પોલીસે પોતાના જ ખાખીધારી કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને ગુનો દાખલ કર્યો છે, જેના કારણે પોલીસ બેડામાં પણ સોપો પડી ગયો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, શાપરમાં રહેતી આ ત્યકતા મહિલા ગત મે 2026 માં કોઈક કેસના સિલસિલામાં શાપર પોલીસ મથકે ગઈ હતી. આ દરમિયાન ત્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક જગદીશભાઈ કેરાળીયા સાથે તેનો સંપર્ક થયો હતો અને બંનેના મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. આરોપી હાર્દિકે પોતે પણ છૂટાછેડા લીધા હોવાનું જણાવીને આ મહિલાને વિશ્વાસમાં લીધી હતી અને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપીએ શાપર ગૌશાળા પાસે, જુદી જુદી હોટેલોમાં તેમજ પોતાની ક્રેટા કારમાં લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને પોતાની હવસ સંતોષી હતી.
છ ષ મહિના સુધી લગ્નની ખોટી લાલચ આપીને શારીરિક શોષણ કર્યા બાદ જ્યારે આ હેડ કોન્સ્ટેબલે લગ્ન કરવાનો સાફ ઇન્કાર કરી દીધો ત્યારે પીડિતાએ હિંમત દાખવીને પોલીસનો આશરો લીધો હતો. પીડિતાની ફરિયાદના આધારે શાપર વેરાવળ પોલીસે આરોપી હાર્દિક કેરાળીયા સામે BNS ની કલમ 69 તેમજ એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંવેદનશીલ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની વધુ તપાસ હવે ડીવાયએસપી એસસી-એસટી સેલના અધિકારીને સોંપવામાં આવી છે.
