અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શૈક્ષણિક નિયમો સાથે ચેડા કરતી ખાનગી શાળાઓ સામે હવે તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે નિર્ણયો લેતી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે DEO દ્વારા સખત પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી કે મંજૂરી વિના જ પોતાની સ્કૂલનું સ્થળ બદલી નાખનાર 3 ખાનગી શાળાઓ સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરીને તેમને કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે, જેના કારણે સ્કૂલ સંચાલકોમાં પણ ભારે હડકંપ મચી ગયો છે.
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીના સકંજામાં શહેરના 3 અલગ-અલગ વિસ્તારોની સ્કૂલો આવી ગઈ છે. જેમાં સરખેજ વિસ્તારમાં આવેલી અલ હુદા સ્કૂલ, રખિયાલ વિસ્તારની અલ ફલાહ સ્કૂલ તેમજ દાણીલીમડા વિસ્તારમાં ધમધમતી શુફા સ્કૂલ સામે DEO તંત્ર દ્વારા સત્તાવાર રીતે નોટિસ આપવામાં આવી છે. આ ત્રણેય શાળાઓ દ્વારા તંત્રની કોઈ પણ સત્તાવાર મંજૂરી મેળવ્યા વગર જ અન્ય જગ્યાએ સ્કૂલોનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે સ્પષ્ટપણે સરકારી નિયમો વિરુદ્ધનું પગલું હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ત્રણેય સ્કૂલના સંચાલકો પાસેથી તાત્કાલિક ધોરણે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ કડક સૂચના પણ આપવામાં આવી છે કે આ શાળાઓએ સરકાર દ્વારા અગાઉ માન્ય કે મંજૂર કરાયેલા મૂળ સ્થળ પર જ શૈક્ષણિક કાર્ય ચલાવવું પડશે. જો સંચાલકો દ્વારા આ બાબતે કોઈ ગલ્લાંતલ્લાં કરવામાં આવશે તો આગામી દિવસોમાં વધુ કાનૂની અને કડક વહીવટી પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
