ઉના તાલુકાના ભીંગરણ ગામે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. અહીં આંગણવાડી નજીક રહેતાં 85 વર્ષીય રખમાઈબેન પીઠાભાઈ બાંભણીયા પોતાના ઘરે એકલાં રહેતાં હતાં, કારણ કે તેમના 3 દીકરાઓ પરિવાર સાથે વાડીએ રહેતા હતા. ગત તા.25ના બપોરના સમયે તેમના જ પરિવાર સાથે સંબંધ ધરાવતી ભાણીબેન ડાયાભાઈ જેશાભાઈ પામક નામની મહિલા ચા પીવાના બહાને વૃદ્ધાના ઘરે આવી હતી. વૃદ્ધા સાથે અગાઉથી ઘરોબો હોવાથી તે અવારનવાર ત્યાં જતી હતી, પરંતુ આ વખતે તેના મનમાં લૂંટનો બદઈરાદો છુપાયેલો હતો.
આરોપી મહિલાની નજર વૃદ્ધાએ પહેરેલાં સોનાનાં ઘરેણાં પર હતી. તકનો લાભ લઈને તેણે ઘરમાં જ વૃદ્ધા પર દાતરડા વડે હુમલો કરી દીધો હતો અને ગળા પર ઘા ઝીંકીને તેમની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં, વૃદ્ધાનાં કાન કાપીને કાનમાં પહેરેલાં સોનાનાં ઘરેણાં ઉતારી લીધાં બાદ તે ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે વૃદ્ધાની હત્યા કર્યા બાદ આ જ મહિલા મૃતકના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી ગઈ હતી અને ત્યાં ભારે રડારોડ કરીને નાટક પણ કર્યું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવાબંદર મરીન પોલીસ, એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસની સઘન તપાસ દરમિયાન આ મહિલાની હિલચાલ ખૂબ શંકાસ્પદ જણાતાં પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી, જેમાં તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે આ કેસમાં હત્યામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર દાતરડું કબજે કરી લીધું છે, જ્યારે લૂંટાયેલાં સોનાનાં ઘરેણાંની રિકવરી કરવાની બાકી હોવાથી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
