JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ટેક વર્લ્ડમાં ખળભળાટ, એલન મસ્કની નિયોક્લાઉડ સ્ટાર્ટઅપ્સને લઈને મોટી ચેતવણી

Oct 27, 2026 | 13:50 | By JAMNAGAR MIRROR
ટેક વર્લ્ડમાં ખળભળાટ, એલન મસ્કની નિયોક્લાઉડ સ્ટાર્ટઅપ્સને લઈને મોટી ચેતવણી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ક્ષેત્રે ધૂમ મચાવવા નીકળેલા ૨૦૦થી વધુ નિયોક્લાઉડ સ્ટાર્ટઅપ્સ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ફંડિંગની અછતને કારણે આગામી દિવસોમાં આ કંપનીઓ બંધ થવાની કે એકબીજામાં ભળી જવાની પૂરી શક્યતા છે.

ટેકનોલોજીની દુનિયામાં અત્યારે એઆઈનો જમાનો છે અને તેને માટે જબરદસ્ત પાવર આપતી જીપીયુ ચિપ ભાડે આપતી નિયોક્લાઉડ કંપનીઓ ઝડપથી આગળ આવી રહી છે. પરંતુ ટેક દિગ્ગજ એલન મસ્કે ચેતવણી આપી છે કે આમાંથી મોટાભાગની નવી સ્ટાર્ટઅપ્સ કંપનીઓ લાંબો સમય ટકી નહીં શકે કારણ કે હવે તેમને બજારમાંથી ફંડ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરતા મસ્કે જણાવ્યું છે કે ફંડિંગના અભાવે આવી ૨૦૦થી વધુ કંપનીઓ પર તાળા વાગી શકે છે અથવા તો તેમનું કોઈ મોટી કંપનીઓમાં વિલિનિકરણ થઈ શકે છે, જો કે આમાંથી ગણતરીની કંપનીઓ જ બચી શકશે. મસ્કે એમ પણ કહ્યું કે જે કંપનીઓની એઆઈ ડેટા સેન્ટર્સ સિવાયની અન્ય કોઈ ખાસ કમાણી નથી, તેમને હવે બેંકો કે લેન્ડર્સ દ્વારા લોન કે નાણાકીય સહાય મળવાનું લગભગ બંધ થઈ ગયું છે.

આ મુદ્દે વાત કરતા કેનેડિયન-અમેરિકન વેન્ચર કેપિટલિસ્ટ ચમાથ પાલિહાપિટીયાએ આશંકા વ્યક્ત કરી છે કે વર્ષ 2027 સુધીમાં બજારમાં જરૂરિયાત કરતાં ઘણો વધારે કમ્પ્યુટિંગ પાવર વણવપરાયેલો પડી રહેશે અથવા તો સ્ટોકમાં ધૂળ ખાતો થશે. તેમણે જણાવ્યું કે નિયોક્લાઉડ કંપનીઓ પાસે પૂરતું મૂડીભંડોળ નથી અને બીજી તરફ મોટી હાઈપર્સકેલર કંપનીઓ પોતાની આંતરિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપી રહી છે. આ માહોલ વચ્ચે એલન મસ્કે સ્પેસએક્સનું ઉદાહરણ આપતા જણાવ્યું કે તેની સ્ટારલિંક અને રોકેટ લોન્ચ જેવી સર્વિસિસથી થતી મજબૂત કમાણી અને ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ સ્ટેટસને કારણે જ તે જીપીયુ ખરીદવા માટે 40 અબજ ડોલરનું ડેબ્ટ ફંડિંગ મેળવવામાં સફળ રહી છે.

આવા મોટા ફેરફારો અને ટર્બ્યુલન્ટ માહોલને કારણે વર્ષ 2027 એઆઈ સેક્ટર માટે મોટો વળાંક સાબિત થશે, જે નબળા ખેલાડીઓને બજારમાંથી બહાર કરી દેશે અને માત્ર મજબૂત અને ઝડપી નિર્ણયો લેતી કંપનીઓ જ મેદાનમાં ટકી રહેશે. નિષ્ણાતોના મતે, આ સ્થિતિ આગામી સમયમાં ટેક માર્કેટમાં મોટી ઉથલપાથલ મચાવશે અને રોકાણકારોએ પણ હવે સાવચેતીપૂર્વક પોતાના દાવ લગાવવા પડશે.

LATEST ARTICLES